Get The App

ગુજરાતમાં રવિ પાકનું રેકોર્ડબ્રેક વાવેતર, સૌથી વધુ 13 લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં રવિ પાકનું રેકોર્ડબ્રેક વાવેતર, સૌથી વધુ 13 લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર 1 - image


Rabi Crop in Gujarat: ગુજરાતના ખેડૂતોએ રવિ પાકનું પુષ્કળ વાવેતર કર્યું છે. સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટર રહ્યો છે. જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ખેડૂતોએ 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની સંપૂર્ણ સંભાવના છે.

રાજ્યમાં ઘઉંનું સૌથી વધારે વાવેતર

ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમને જાળવી રાખતા આ વર્ષે પણ રાજ્યમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર થયું છે. અત્યાર સુધીમાં કુલ 13.42 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર નોંધાયું છે. જે ગત વર્ષની સરખામણીએ 109 ટકા જેટલું છે. આ ઉપરાંત ધાન્ય પાકમાં મકાઈનું પણ આ વર્ષે કુલ 1.35 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 118.92 ટકા જેટલું છે.

ચણાનું વાવેતર 133.38 ટકા જેટલુ થયું

રાજ્યમાં આ વર્ષે કઠોળ પાકમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે 6.29 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 8.39 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચણાનું વાવેતર 133.38 ટકા જેટલુ થયું છે. તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા પાકનું 4.74 લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ તેલીબિયા પાકોમાં રાઈનું કુલ 2.57 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

બટાકા અને ડુંગળીનું મબલખ વાવેતર

રવિ પાકની સિઝનમાં બટાકા અને ડુંગળીનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. ગત વર્ષે ડુંગળીનું આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 69 હજાર હેકટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 92 હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 133.33 ટકા જેટલુ છે. આ ઉપરાંત બટકા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે 1.35 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 1.56 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ 115.55 ટકા જેટલું છે.

આ પણ વાંચો: સુરત મનપા કર્મચારી માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર તો ખરીદશે પણ કર્મીઓને ઉનાળામાં મળશે


ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કુલ 19.88 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં ચણા પાકનું 6.17 લાખ હેક્ટરમાં વાવેતર મહત્તમ નોંધાયું છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં 1.93 લાખ હેકટર, ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 12.96 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 9.16 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 3.61 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું છે.

ગુજરાતમાં રવિ પાકનું રેકોર્ડબ્રેક વાવેતર, સૌથી વધુ 13 લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર 2 - image


Google NewsGoogle News