ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ: ફરાર આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ
Khyati Hospital Controversy : અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ મોતકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે દર્દીઓના મોત અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી છે. અત્યાર સુધી આ કેસમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલના ડિરેક્ટર અને ભાગીદાર છે.
ધરપકડથી બચવા આગોતરા જામીન માટે અરજી
અત્રે ઉલ્લેખનીય ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી છે. ગુરૂવારે સુનાવણી દરમિયાન રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, 'રાજશ્રી કોઠારી નિર્દોષ છે અને આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે, તો જામીન મુક્ત કરવામાં આવે'.
આ પણ વાંચો: ખ્યાતિનો ખૂની ખેલ: PMJAY હેઠળ ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન, 112નાં મોતનો ઘટસ્ફોટ
કોણ છે રાજશ્રી કોઠારી?
રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટીંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પીએમજેએવાય કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.
શું હતી સમગ્ર ઘટના?
કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલ સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. આ ઘટના બાદ આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.