Get The App

રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે કરી મુલાકાત, વેદના સાંભળી કહ્યું- સંસદમાં ઉઠાવીશું અવાજ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi


Rahul Gandhi In Gujarat : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલા પથ્થરમારા બાદ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા અપીલ કરી હતી. આજે (6 જુલાઈ) રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. ત્યારે રાહુલે અમદાવાદ સ્થિતિ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ TRP ગેમ ઝોનના પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાજકોટ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા આશા કાઠડના ભાઈ કમલેશ કાઠડે રાહુલને TRP ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગ અંગે જાણકારી આપી હતી. રાહુલને ઘટનાનું વર્ણન કરતી વખતે કમલેશ કાઠડ રડી પડ્યાં હતા.

ભાજપ પર અમને ભરોસો નથી, હવે તમે જ અમને ન્યાય અપાવો : પીડિત પરિવાર

પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. તપાસ અધિકારીઓ તોડબાજ હોવાથી કોઈ પ્રકારની સચોટ કામગીરી કરવામાં આવતી નથી. કાંડમાં સામેલ મોટા માથાની જગ્યાએ નાના અધિકારીઓની ધરપકડ કરી છે, અમને ન્યાય કઈ રીતે મળશે? અન્ય એક પીડિત પરિવારની મહિલાએ રાહુલને કહ્યું હતું કે, માત્ર તમે જ અમને સાંભળો છો, ભાજપ સરકારનો એકપણ નેતા અમને સાંભળતો નથી, અમને આ સરકાર પર ભરોસો થતો નથી. આ સાથે પીડિત પરિવારજનોએ ન્યાય અપાવવા માટે રાહુલને વિનંતી કરી હતી.

રાજ્યમાં ઘટિત બનાવ સામે ન્યાય મેળવવા કોંગ્રેસ પદયાત્રા કરશે

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડ અંગે અમે લોકસભામાં મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું. આ સાથે પીડિત પરિવારને આશ્વાસન આપતાં તેમણે કહ્યું હતું કે, તમે ચિંતા ના કરતાં, આખું કોંગ્રેસ તમારી સાથે છે. આ સાથે રાહુલે અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓને લઈને પીડિતોને ન્યાય અપાવવા માટે રાજ્યમાં પદયાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોરબીથી રાજકોટ, બોટાદ, વડોદરા અને સુરત સુધીની ન્યાય મેળવવા માટેની પદયાત્રા નીકાળવામાં આવશે.


Google NewsGoogle News