મેમોકાંડ: સરકારના અણઘડ આયોજનથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત જ્યારે પોલીસ મસ્ત
Memo Scandal: ગાંધીનગર એટલે કે સરકારમાંથી આવતાં આદેશનું પોલીસ એવું જડતાપૂર્વક પાલન કરી રહી છે કે પ્રજાજનોમાં સરકાર અને સરકારી તંત્ર સામે મેમોકાંડ મુદ્દે અવાજ ઊઠવા લાગ્યો છે. એવી ચોંકાવનારી વિગતો ખુલી છે કે, સરકારમાંથી ગુનાખોરી રોકવા કડક વાહન ચેકિંગનો આદેશ આવ્યો. તેનો એવો અણઘડ રીતે અમલ કરવામાં આવ્યો કે પ્રજાજનોમાં આક્રોશ ફેલાયો છે.
પોલીસે વાહન ડિટેઇન કરી આરટીઓના મેમો આપવાના ટાર્ગેટ અધિકારીઓએ આપ્યા હતા. આ કારણે ઘરેથી આરસી બુક લાવીને બતાવવાની સામાન્ય જનતાની વિનંતી પણ પોલીસે જડતાપૂર્વક ઊડાવી દીધી હતી. સરકારે જનહિતમાં ગુના રોકવા કરેલા આદેશનો પોલીસે એવો અમલ કર્યો છે કે કે જાણે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું હોય. આ કારણે પ્રજા અને દંડ માટે ભીડ થતાં આરટીઓ તંત્ર ત્રસ્ત છે. પરંતુ પોલીસ હજુ ચેકિંગ કરવા માટે મસ્ત જ છે.
RTOએ બીજા કામ પડતાં મૂકી દંડ વસૂલ્યો
અમદાવાદમાં કોમ્બિંગ નાઇટ જાહેર કરીને આરટીઓના દંડના ઓછામાં ઓછા 100 મેમો વાહન ચાલકોને આપવાના આદેશ કરવામાં આવ્યો. પોતાના વાહનો લઈને નીકળેલી પ્રજા જાણે આતંકવાદી હોય તેમ રાતના સમયે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતાં. આ પ્રકારે અમુક વિસ્તારમાં પ્રજાવિરોધી પોલીસ કામગીરીથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત થઈ ગયા છે.
આ પણ વાંચો: આણંદમાં ઓવરટેકના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ-ટ્રક સામ-સામે ટકરાતાં 3 મોત
પાંચ જ દિવસમાં 33 લાખ રૂપિયાની આવક
સવારે આઠ વાગ્યાથી મોડી રાત સુધી આરટીઓ તંત્રએ દંડના પૈસા વસુલવાની કામગીરી ગતિવંત કરતાં વાહન ચાલકોને થોડી રાહત થઈ છે. આટીઓ તંત્રને પોલીસની મેમો કાર્યવાહીથી બુધવારે 15 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. ત્યારે છેલ્લા પાંચ જ દિવસમાં કુલ 33 લાખ રૂપિયાની આવક થઈ છે. પ્રજા અને આરટીઓ તંત્ર પરેશાન છે તે વચ્ચે સરકારી તિજોરીને 5 જ દિવસમાં 33 લાખ રૂપિયાનો ધનલાભ થયો છે.
આરટીઓ તંત્રએ અન્ય રાજ્યના ટુ વ્હીલર હોય તેમની પાસેથી સેલ વેલ્યુ, પેનલ્ટી, ગુજરાતનો રોડ ટેક્સ સહિત એક-એક વાહન પાસેથી 15થી 18 હજાર રૂપિયાનો દંડ લીઘો હતો. સામાન્ય વાહન ચાલક પાસેથી ત્રણથી પાંચ હજાર રૂપિયા જેટલો દંડ વસુલવામાં આવતાં મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના અનેક લોકો નાણાંભીડ વચ્ચે ફાફે ચડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો: સરકારી લાભ લેવામાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઇ! ધારાસભ્યોના વૈભવી ફ્લેટમાં 110 કરોડનું ફર્નિચર
પોલીસની કાર્યવાહી સામે જનઆક્રોશ યથાવત્
રાતના સમયે લોકો ઘરે પરત ફરતાં હોય ત્યારે અણઘડ રીતે આરસી બુક સહિતના કાગળો માંગીને વાહનો ડીટેઇન કરવાની જડતાપૂર્વકની પોલીસની કાર્યવાહી સામે જનઆક્રોશ હજુ યથાવત્ છે. પ્રજાનો આરસી બુક લાવીને બતાવી દઈએ તેવી રજૂઆત સાંભળવાના બદલે રોડ ઉપર વાહન ચેકિંગથી પરેશાન પોલીસ કર્મચારીઓ પણ જડતાપૂર્વક અને ઉદ્ધત વર્તન કરતાં હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સરકારને ઊલ્ટા ચશ્મા પહેરાવીને ઊચ્ચ અધિકારીઓ પોતાની સત્તાની મસ્તીમાં જ વ્યસ્ત છે. ટીકટોકિયા અધિકારીઓ પોતાના નેજા હેઠળ તંત્ર કામગીરી કરે છે તેવું સરકારને બતાવવા માટે વાસ્તવિક વાત કરવાના બદલે અણઘડ અમલવારી કરી રહ્યા હોવાની બૂમ પણ પ્રજાજનોમાં ઊઠવા પામી છે. જનહીતમાં વાહનચેકીંગ આવશ્યક છે. પરંતુ લોકોને કાનૂનની અગત્યતાનો અહેસાસ થાય તે સાથે સરકાર, સરકારી તંત્ર પ્રજાજનોની સમસ્યા સમજે તે દિશામાં વિચારવામાં આવે તેવી લોકલાગણી પ્રબળ બની રહી છે.