રેવન્યુ કમિટિમાં દરખાસ્ત મંજુર, વ્હીકલ ટેકસ સમયસર નહીં ભરનારા પાસેથી વ્યાજ સાથે રકમ વસુલાશે

૧ એપ્રિલ-૨૦૨૪થી વ્હીકલ ટેકસ સમયસર ન ભરનાર પાસેથી દંડનીય વ્યાજ સાથે ટેકસ વસુલાશે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News

       રેવન્યુ કમિટિમાં દરખાસ્ત મંજુર, વ્હીકલ ટેકસ સમયસર નહીં ભરનારા પાસેથી વ્યાજ સાથે રકમ વસુલાશે 1 - image

 અમદાવાદ, શુક્રવાર, 10 નવેમ્બર,2023

અમદાવાદ મ્યુનિ.ની રેવન્યુ કમિટિની મળેલી બેઠકમાં વ્હીકલ ટેકસ સમયસર નહીં ભરનારા કરદાતા પાસેથી દંડનીય વ્યાજ સાથે રકમ વસુલ કરવા અંગેની સુધારા દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.રાજય સરકારની મંજુરી બાદ પહેલી એપ્રિલ-૨૦૨૪થી વ્હીકલ ટેકસ સમયસર નહીં ભરનારા કરદાતા પાસેથી દંડનીય વ્યાજ સાથે ટેકસની રકમ વસુલાશે.હાલમાં વ્હીકલ ટેકસ સમયમર્યાદામાં નહીં ભરવા બદલ કોઈ વ્યાજ કે પેનલ્ટી વસુલવામાં આવતી નથી.

જી.પી.એમ.સી.એકટની કલમ ૧૪૨ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં વાહનની બેઝ પ્રાઈસની ટકાવારી  પ્રમાણે આજીવન વ્હીકલ ટેકસ લેવામાં આવે છે.પરંતુ જો કોઈ કરદાતા સમયસર વ્હીકલ ટેકસ ના ભરે તો જી.પી.એમ.સી.એકટમાં આ અંગે વ્યાજ કે પેનલ્ટી અથવા દંડનીય કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ નથી.રેવન્યુ કમિટિની બેઠકમાં જી.પી.એમ.સી.એકટની કલમ-૧૪૨માં વ્યાજ-પેનલ્ટીની જોગવાઈનો ઉમેરો કરતી સુધારા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.કમિટિના ચેરમેન જૈનિક વકીલના કહેવા પ્રમાણે,પ્રોપર્ટી ટેકસ કરદાતા સમયસર ના ભરે તો ૧૮ ટકા સાદા વ્યાજની જોગવાઈ છે.ગુજરાત રાજય વ્યવસાયવેરા અધિનિયમ-૧૯૭૬ની જોગવાઈ મુજબ,પ્રોફેશન ટેકસ સમયસર ભરવામાં ના આવે તો ૧૮ ટકા વ્યાજ તેમજ પેનલ્ટીની જોગવાઈ છે.આ હકીકતને ધ્યાનમાં લઈ જી.પી.એમ.સી.એકટની કલમ-૧૪૨(૩)નો ઉમેરો કરી  પહેલી એપ્રિલ-૨૦૨૪થી વ્હીકલ ટેકસ સમયસર નહીં ભરનારા કરદાતા પાસેથી તેની ટેકસની રકમ ઉપરાંત વ્યાજ સાથે રકમની વસુલાત કરવા સ્ટેન્ડિંગ કમિટી,મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં મંજુરી અપાશે.મ્યુનિ.બોર્ડની મંજુરી બાદ કાયદામાં ઉમેરો કરવા વાંધા-સુચન મંગાવવામાં આવશે.વાંધાઓની સુનવણી કરી તેનો નિકાલ કરાશે.બાદમાં શહેરી વિકાસ અનગૃહ નિર્માણ વિભાગમાં સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ કરાવવા માટે મોકલી અપાશે.ગેઝેટ પ્રસિધ્ધ થયા બાદ પહેલી એપ્રિલ-૨૦૨૪થી અમલ કરવામાં આવશે.

ત્રણ વર્ષમાં વ્હીકલ ટેકસ નહીં ભરવા અંગે બાવન હજાર નોટિસ અપાઈ

અમદાવાદ મ્યુનિ.ના વ્હીકલ ટેકસ વિભાગ તરફથી આર.ટી.ઓ.સુભાષબ્રિજ તથા વસ્ત્રાલ પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો હતો.ડેટા અંગે ચકાસણી કરવામાં આવતા ડેટામિસમેચ થતા વર્ષ-૨૦૧૯-૨૦થી વર્ષ-૨૦૨૧-૨૨ સુધીમાં આજીવન વ્હીકલ ટેકસ નહીં ભરવા અંગે બાવન હજાર વાહન ધારકોને મ્યુનિ.તંત્ર તરફથી નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદમાં વપરાતા વાહન માટે વ્હીકલ ટેકસ ભરવો પડે

અમદાવાદશહેર હદમાં રજિસ્ટર્ડ થયેલા વાહનોનો વ્હીકલ ટેકસ  ભરવામાં આવે છે.શહેરની હદ બહાર નોંધાયેલા હોય અને અમદાવાદમાં નિયમિતપણે વપરાતા હોય એવા વાહનોનો વ્હીકલ ટેકસ જી.પી.એમ.સી.એકટ મુજબ ભરવો જરુરી છે.વર્ષ-૨૦૨૨-૨૩માં વ્હીકલ ટેકસની આવક રુપિયા ૧૮૬.૨૯ કરોડ હતી.આ વર્ષમાં પહેલી એપ્રિલ-૨૦૨૩થી સાત નવેમ્બર-૨૦૨૩ સુધીમાં વ્હીકલ ટેકસની રુપિયા ૧૩૨.૬૯ કરોડ આવક થવા પામી હતી.


Google NewsGoogle News