ખાનગી સ્કૂલોને તાકીદ: ફીની માહિતી નોટિસ બોર્ડ પર નહીં મૂકનારી સ્કૂલની માન્યતા રદ થશે
Image: Freepik |
PVT School must display FRC order on notice board : ખાનગી શાળાઓ માટે સરકારે ફી રેગ્યુલેશન ઍક્ટ હેઠળ કડક જોગવાઈ અને આદેશ કર્યાં છે. તેમ છતાં અમદાવાદની અનેક શાળાઓ નોટિસ બોર્ડ પર ફી કમિટીના ઑર્ડર સહિતની કોઈ જ માહિતી મૂકતી નથી. આ બાબતે ફરિયાદો અને વિગતો ઘ્યાને આવતાં ડીઈઓએ તમામ ખાનગી શાળાઓને પરિપત્ર કરીને ફરજિયાત ફીનો ઑર્ડર સ્કૂલના નોટિસ બોર્ડ પર મૂકવા આદેશ કર્યો છે. જો શાળા ઑર્ડર નહીં મૂકે તો તેની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
શાળાઓ કરે છે મનમાની
ખાનગી શાળાઓની ફી રાજ્ય સરકાર દ્વારા 2017માં લાગુ કરવામાં આવેલી ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન એક્ટ હેઠળ, ખાનગી શાળાઓની ફી તેમની દરખાસ્ત અને એફિડેવિટના આધારે ફી કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે છે. ઍક્ટ મુજબ ફી કમિટી જે ઑર્ડર આપે તે શાળાઓને ફરજિયાત નોટિસ બોર્ડ પર મૂકવાનો હોય છે. જેથી વાલીઓને ફી અંગે તમામ માહિતી મળી શકે.
ડીઈઓએ પરિપત્ર કર્યો
અમદાવાદ શહેર ડીઈઓએ તમામ ખાનગી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કર્યો છે કે, ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) ઍક્ટ 2017 અન્વયે કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલી ચાલુ વર્ષની તેમજ જે ફી લેવામાં આવતી હોય તે એફઆરસી ઑર્ડરની નકલ વિદ્યાર્થી-વાલી જોઈ શકે તે મુજબ નોટિસ બોર્ડ અને શાળાની વેબસાઇટ પર મૂકવામાં આવે.
આ પણ વાંચોઃ એશિયાની સૌથી મોટી એપીએમસીની ચૂંટણીનો માર્ગ મોકળો, 20 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડશે
શાળાની માન્યતા થઈ શકે છે રદ
તેમ છતાં કેટલીક શાળાઓએ નોટિસ બોર્ડ પર અને સ્કૂલની વેબસાઇટ પર ઓર્ડર મૂક્યો નથી. જેથી તાકીદે સ્કૂલોને ફી ઑર્ડર વેબસાઇટ પર અને નોટિસ બોર્ડ પર મૂકવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર ઑર્ડર મૂકાઈ ગયો છે તેના ફોટા ડીઈઓ કચેરીના નિરીક્ષકને મોકલવાની પણ કડક સૂચના આપવામાં આવી છે. જો શાળા ઍક્ટની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરશે અને ફીની વિગતો નોટિસ બોર્ડ-વેબસાઇટ પર નહીં મૂકે તો દંડ સાથે સ્કૂલની માન્યતા રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.