Get The App

અમદાવાદ, વડોદરા, સુરત... 'ખાડાનગરી' બનતાં કમર દર્દની સમસ્યા વધી, ટ્રિપલ એન્જિન સરકાર ઘેરાઈ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
અમદાવાદ, વડોદરા, સુરત... 'ખાડાનગરી' બનતાં કમર દર્દની સમસ્યા વધી, ટ્રિપલ એન્જિન સરકાર ઘેરાઈ 1 - image


Pothole In  Gujarat: ગુજરાતમાં હાલ રોડમાં ખાડા છે કે ખાડા વચ્ચે રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા હોય કે કોઇ નાનું નગર તેમાં ભ્રષ્ટાચારના મસમોટા ખાડા તો જોવા મળશે જ. હાલ સ્થિતિ એવી છે કે, વાયરલ ફીવર-મચ્છરજન્ય બીમારીના ડોક્ટરની સાથે ઓર્થોપેડિક ડોક્ટર-ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં પણ લાંબી લાઇન જોવા મળે છે. આ એવા દર્દીઓ છે જેઓ ખાડાવાળા રસ્તામાં વાહન ચલાવવાને વાંકે કમર દર્દ, સ્પોન્ડિલાઇસિસની સમસ્યાનો શિકાર બન્યા છે.  ખાડાવાળા રસ્તા એ બીજુ કંઈ નહીં પણ દાયકાઓથી ચાલતી ટ્રિપલ એન્જિન સરકાર પાસેથી પ્રજાજનો પાસેથી મળતી ભેંટ છે.  

હોસ્પિટલમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો 

ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોમાં કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર લોકો થયા છે. તેને લઈ ખાનગી હોસ્પિટલથી માંડી સરકારી હોસ્પિટલમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની અસારવા અને સોલા સિવિલમા ઓર્થોપેડીક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દરરોજના આવતાં 100માંથી સરેરાશ 60 દર્દી બેક પેઇનની સમસ્યા ધરાવનારા હોય છે. 

આ પણ વાંચો: 4 દિવસમાં 12નાં મોતથી ગુજરાતના આ તાલુકામાં હડકંપ, કારણ છે શંકાસ્પદ તાવ, તંત્ર દોડતું થયું


અમદાવાદ માત્ર નામથી જ ‘સ્માર્ટ સિટી’ છે

ઓર્થોપેડિક ડોક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઇને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જી શકે છે. અમદાવાદ માત્ર નામથી જ ‘સ્માર્ટ સિટી’ છે, પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખૂલેલી જોવા મળી છે. રોડ પરના ખાડાને લીધે ઓર્થોપેડિક પાસ લોઅર બેક પેઈનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઇ ગયો છે. રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્‌સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. 

ખાડા વાળા રોડમાં બેલેન્સ નહીં રહેવાથી અનેક લોકોને ફ્રેક્ચર પણ થયાના કિસ્સા સામે આવે છે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં પાણી ભરવા અને ખાડા પડે નહીં ત્યાં સુધી ચોમાસું આવ્યું છે તેવું હવે લાગતું પણ નથી. દાયકાઓથી ટ્રિપલ એન્જિન સરકારે જો કોઇ વાતમાં સાતત્યતા જાળવી રાખી હોય તે ભ્રષ્ટ વહિવટને લીધે ખાડા વાળા રોડ અને તૂટેલા પૂલ છે. 

પાકો રસ્તો વચ્ચે આવી જાય તો ગભરાશો નહીં : સોશિયલ મીડિયામાં રમૂજ

•જરૂરી સૂચના: વાહન ચલાવતી વખતે અચાનક પાકો રસ્તો વચ્ચે આવી જાય તો...ગભરાશો નહીં...ધીરજથી પરિસ્થિતિનો સામનો કરો! થોડી જ સેકન્ડમાં ખાડો ફરી આવી જ જશે...

•જો આમ ને આમ વરસાદ ચાલુ રહ્યો તો....રોડમાંથી ડામર, કપચી, મેટલ પછી મોહેંજો દારો, હડપ્પા સંસ્કૃતિના અવશેષો નીકળવાના ચાલુ થઇ જાશે...

•જો તમારા ઘરની બહાર વરસાદથી પાણી ભરાઇ ગયા હોય તો, ઘરના સભ્યો ભેગા થઇને થાળી-વેલણ વગાડીને ‘ગો વોટર ગો’બોલવાનું છે...થોડી જ વારમાં પાણી ગાયબ થઇ જશે...

વિશ્વગુરુની ડાયરીમાંથી 

•આ તે કેવી બલિહારી... પ્રાઇવેટ કંપનીમાં કોઇ એક વ્યક્તિ સામાન્ય ભૂલ કરે તો પણ તેને પાણીચું પકડાવી દેવામાં આવે છે. પરંતુ દર વર્ષે નિયમિત રીતે ખાડાવાળા રોડ થતાં હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે પગલા પણ લેવાતા નથી...

અમદાવાદ, વડોદરા, સુરત... 'ખાડાનગરી' બનતાં કમર દર્દની સમસ્યા વધી, ટ્રિપલ એન્જિન સરકાર ઘેરાઈ 2 - image


Google NewsGoogle News