દર્દીઓની સહાય માટેની PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન
PMJAY Scheme Scam : ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી PMJAY યોજના હૉસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં કેગ દ્વારા PMJAY યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હૉસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો.
મહત્ત્વની વાત એ છે કે, વ્યાપકપણે ગેરરીતિઓ થઈ હોવા છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે ધડો લીધો નહીં. કેગના રિપોર્ટમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે, હૉસ્પિટલોમાં બેડની સંખ્યા કરતાં વધુ દર્દીઓએ સારવાર લીધી હતી. સારવારના નામે હૉસ્પિટલ સંચાલકોએ સરકાર પાસેથી લાખો કરોડો સેરવી લીધા હતાં.
આ પણ વાંચો: ખ્યાતિ હૉસ્પિટલ પર રાજકીય આકાઓના આશીર્વાદ, આરોગ્યમંત્રી ઋષિકેશના હસ્તે મળ્યો હતો એવોર્ડ
2023માં કેગના રિપોર્ટમાં ગેરરીતિ છતી થઈ : કાગળ પર સારવાર
PMJAY યોજના હેઠળ મફત સારવાર કરવામાં આવે છે જેના કારણે ગરીબ દર્દીઓ સારવાર અંગે કોઈ પૃચ્છા જ કરતાં નથી જેનો હૉસ્પિટલ સંચાલકો બેફામ દૂરપયોગ કરી રહ્યા છે. વર્ષ 2023માં કેગનો રિપોર્ટ જાહેર થયો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઑડિટર્સે ગુજરાતની અલગઅલગ 50 હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં એવી ગેરરીતિ જોવા મળી કે, હૉસ્પિટલોએ બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે.
આ 50 હૉસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગઅલગ તારીખોમાં 5217 દર્દીઓએ સારવાર લીધી હતી. જેમકે, સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં 8 માર્ચ 2021ના દિવસે 34 બેડની સામે 97 દર્દીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા. સારવારના નામે બધું ય કાગળ પર જ હતું.
ગુજરાતમાં PMJAY યોજનાના એવા કેસ જોવા મળ્યાં જેમાં એવી ગેરરીતિ સામે આવી કે, દર્દી એક જ સમયે જુદી જુદી હૉસ્પિટલમાં દાખલ હોય. ગુજરાતમાં 21,514 દર્દીઓએ એક જ સમયે અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ પરથી એક વાત સ્પષ્ટ થઈ કે, સારવારના નામે બધું ધુપ્પલ ચાલી રહ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું, આરોગ્ય મંત્રી ગુજરાત પરત ફરશે
કેગના રિપોર્ટ પ્રમાણે નવેમ્બર 2022 સુધીની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ રૂ. 3507.72 કરોડની સહાય ચૂકવાઈ છે, જેમાં 14,12,311 કેસનો સમાવેશ થાય છે. આમ, ગેરરીતિ છતાંય મળતિયા હૉસ્પિટલ સંચાલકોને રાજ્ય આરોગ્ય વિભાગે કરોડો રૂપિયા ચૂકવી દીધા હતા. જાણે PMJAY યોજના હૉસ્પિટલ માટે કમાણીનું સાધન બની રહ્યું છે તે વાત હવે સાબિત થઈ રહી છે.
છ મહિનામાં જ હૉસ્પિટલે રૂ.3.66 કરોડ સેરવી લીધા
ખ્યાતિ હૉસ્પિટલમાં પીએમજેએવાય યોજના હેઠળ હૃદયની સારવારના નામે સરકારમાં ક્લેઇમ કરવામાં આવી રહ્યા હોવાની વાત બહાર આવી છે. માત્ર ખ્યાતિ હૉસ્પિટલે 605 કાર્ડિયોલૉજી સારવાર પેટે સરકાર પાસેથી રૂ. 27,70,96,003 સેરવી લીધા હતા. આ ઉપરાંત છ મહિનામાં જ રૂ.3.66 કરોડના ક્લેઇમ કર્યા હતાં.
આ પણ વાંચો: દર્દીઓના મોતના જવાબદાર ભગવાન છે... 'જીવલેણ' બનેલી ખ્યાતિ હૉસ્પિટલના સત્તાધીશોના ઉડાઉ જવાબ
380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી ઉપરાંત 36 જેટલી બાયપાસ સર્જરી પણ કરાઈ
ખ્યાતિ હૉસ્પિટલે પીએમજેએવાય યોજના હેઠળ હૃદયની 45 સર્જરી કરીને રૂ. 89,87,540 પાસ કરાવી લીધા હતાં. તા. 1 જૂનથી 12 જૂન-2024 સુધી 650 કેસોનો ક્લેઇમ આરોગ્ય વિભાગમાં રજૂ કરાયા હતા. એવી વિગતો બહાર આવી છે કે, વર્ષ 2021માં આરોગ્ય વિભાગે ગેરરીતિ બદલ ખ્યાતિ હૉસ્પિટલને એમ્પેનલ કરી દીધી હતી. જો કે, ફરી આ જ હૉસ્પિટલને પીએમજેએવાય યોજના હેઠળ સારવાર માટે કેમ મંજૂરી આપવામાં આવી તે સવાલ ઉઠ્યો છે.