વડાપ્રધાન મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે, 280 કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદઘાટન
PM Modi Coming in Gujarat | વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 30-31 ઓક્ટોબર અહીં જ રોકાવાના છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે PM મોદી 30 ઑક્ટોબરે કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારપછી લગભગ 6 વાગ્યે વડાપ્રધાન મોદી 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરશે.
એકતા દિવસના શપથ કાર્યક્રમમાં ભાગ લેશે
વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આરંભ 6.0 માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ છે. 99માં કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભુતાનની ત્રણ સિવિલ સર્વિસના 653 અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે અને પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને પોલીસ કર્મચારીઓને એકતા દિવસના શપથ લેવડાવશે અને યુનિટી ડે પરેડના સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્પેનના વડાપ્રધાન સાંચેઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા હતા અને એરોસ્પેસને લગતી સુવિધાનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું.