Get The App

ફિઝિયોથેરાપિસ્ટને ડેન્ટિસ્ટ કે આયુર્વેદ ડોકટર સમકક્ષ ના ગણી શકાય: ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
ફિઝિયોથેરાપિસ્ટને ડેન્ટિસ્ટ કે આયુર્વેદ ડોકટર સમકક્ષ ના ગણી શકાય: ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી 1 - image


Gujarat High Court on Physiotherapists : ફિઝિયોથેરાપિસ્ટ ડોકટરને ડેન્ટિસ્ટ કે આયુર્વેદિક ડોકટર સમકક્ષ ગણવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો. 11 જેટલા ફિઝિયોથેરાપિસ્ટ-ફાર્માસિસ્ટ તરફથી કરાયેલી રિટ અરજીમાં તેઓને પણ કલાસ-૨ના ગેઝેટેડ ઓફિસર ગણવા દાદ માંગવામાં આવી હતી. જો કે, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માયીની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું કે, ફિઝિયોથેરાપિસ્ટને આયુર્વેદ ડોકટર કે ડેન્ટિસ્ટ સાથે સરખાવી શકાય જ નહી. હાઇકોર્ટે અરજદારોની રિટ અરજી નકારી કાઢી હતી અને તેઓને કોઇપણ રાહત આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. 

11 જેટલા ફિઝિયોથેરાપિસ્ટ-ફાર્માસિસ્ટ તરફથી થયેલી અરજીમાં કોઇપણ રાહત આપવા હાઇકોર્ટનો ઇનકાર

હાઇકોર્ટે આ મામલે અરજદારપક્ષને રાજય સરકારમાં સૂચન કરવા જણાવ્યું હતું અને પિટિશનનો નિકાલ કર્યો હતો. હાઇકોર્ટે વધુમાં એવી પણ ટકોર કરી હતી કે, અગાઉ આયુર્વેદિક ડોકટરોને એલોપેથી ડોકટરો સમકક્ષ ગણવાનો નિર્ણય સુપ્રીમકોર્ટે રદ કર્યો હતો. આ તમામ પોસ્ટની કાર્યશૈલી અને ચિકિત્સા પધ્ધતિ અલગ-અલગ હોય છે ત્યારે તેમને એકસરખા ગણાવી શકાય નહી. હાઇકોર્ટ આ માટે રાજય સરકારને કોઇ હુકમ કે નિર્દેશ કરી શકે નહી કારણ કે, આ રાજયની વૈધાનિક સત્તાની વાત છે. અરજદારપક્ષ તરફથી એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, અરજદારો ફિઝિયોથેરાપિસ્ટ-ફાર્માસિસ્ટ છે, તેઓને ડેન્ટિસ્ટ સમકક્ષ ગણાતા નથી કે જયારે બનેનો અભ્યાસક્રમ ચાર વર્ષનો છે અને તેમની ઇન્ટર્નશિપ પણ છ મહિનાથી એક વર્ષની છે. તેથી તેઓને પણ કલાસ-૨ ગેઝેટેડ ઓફિસર ગણી તે પ્રમાણેનો પે સ્કેલ મળવો જોઇએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હેલ્થ મીનીસ્ટ્રી અંતર્ગત તમામને એક જૂથમાં મૂકાયા છે. દાંતના ડોકટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વૈદ્ય જેઓ વર્ગ-3માં હતા, તેઓને વર્ગ-૨માં મૂકવામાં આવ્યા છે, તેથી તેઓ પણ આ કેટેગરીમાં સ્થાન પામવા પાત્ર છે. જો કે, હાઇકોર્ટ અરજદારપક્ષની દલીલોથી સંમંત થઇ ન હતી અને તેઓને આ મુદ્દે કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. 


Google NewsGoogle News