લોકો જીવ બચાવવા ધાબા ઉપર દોડી ગયા, પ્રહલાદનગરના કોમર્સ હાઉસના ૯મા માળે આગ, ૭૪ લોકોને સલામત નીચે ઉતારાયા

ફાયર વિભાગના સ્ટાફે ધૂમાડાની વચ્ચે જતા પહેલા બ્રિથીંગ એપરેટર્સ સેટ પહેરીને કામગીરી કરવી પડી હતી

Updated: May 14th, 2024


Google NewsGoogle News
લોકો જીવ બચાવવા ધાબા ઉપર દોડી ગયા, પ્રહલાદનગરના કોમર્સ હાઉસના ૯મા માળે આગ, ૭૪ લોકોને સલામત નીચે ઉતારાયા 1 - image


અમદાવાદ,મંગળવાર,14 મે,2024

અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર આવેલા કોમર્સ હાઉસના નવમા માળે આવેલી ઈલેકટ્રીક ડકટમાં મંગળવારે બપોરે બે કલાકના સુમારે શોર્ટ  સરકીટ થતા આગ લાગી હતી. નવમા માળે આવેલી ઈલેકટ્રીક ડકટમાં આગ લાગતા ધૂમાડો ૧૧મા માળની ઓફિસ સુધી ફેલાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.જુદી જુદી ઓફિસમાં કામ કરી રહેલા લોકો જીવ બચાવવા ધાબા ઉપર દોડી ગયા હતા.આગનો કોલ મળતા સ્થળ ઉપર પહોંચેલા ફાયર વિભાગના સ્ટાફને પણ બિલ્ડિંગમાં પુષ્કળ પ્રમાણમાં ધૂમાડો ફેલાઈ જવાના કારણે આગને કાબૂમાં લેવાની કામગીરી શરુ કરતા પહેલા બ્રિથીંગ એપરેટર્સ સેટ પહેરવાની ફરજ પડી હતી.લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ૭૪ લોકોને સલામત રીતે નીચે ઉતારવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.

પ્રહલાદનગર રોડ ઉપર ૧૧ માળનુ કોમર્સ હાઉસ નામનુ કોમર્શિયલ હેતુથી વપરાશમાં લેવામાં આવતુ બિલ્ડિંગ આવેલુ છે. આ બિલ્ડિંગના નવમા માળ ઉપર આવેલી ઈલેકટ્રીક ડકટમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો એ સમયે બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી નવમા માળે ઈલેકટ્રીક ડકટમાં લાગેલી આગનો ધૂમાડો પુષ્કળ પ્રમાણમાં ફેલાઈ ગયો હતો.હાઈડ્રોલિક પ્લેટફોર્મ, ઈમરજન્સી ટેન્ડરવાન, ગજરાજ તથા મિની ફાયર ફાઈટર જેવા વાહન સાથે પહોંચેલા ફાયરના અધિકારીઓ પણ પરિસ્થિતિ જોઈ થોડીક મિનીટ તો વિચારતા થઈ ગયા હતા કે કઈ રીતે બિલ્ડિંગમાં પ્રવેશ કરી આગ હોલવવી તથા ફસાયેલા લોકોને ધાબા ઉપરથી સલામત રીતે નીચે ઉતારવા.બિલ્ડિંગના નવમા માળે લાગેલી આગનો ધૂમાડો ઉપરના દસ અને અગિયારમા માળ સુધી ફેલાતા દસમા માળે આવેલી ઓફિસમાં અંદાજે ૪૦ લોકો ધૂમાડામાં ફસાયા હતા. આ તમામ જીવ બચાવવા ધાબા ઉપર દોડી ગયા હતા.ફાયરના અધિકારીઓએ અલગ અલગ ટીમ બનાવી  એક તરફ પાણીનો મારો ચલાવવાની શરુઆત કરી હતી.બીજી તરફ એક ટીમ બ્રિથીંગ એપરેટર્સ સેટ પહેરી સીડી મારફત છેક દસમા માળ સુધી પહોંચી હતી.જયાં તમામ વેન્ટીલેશન ખુલ્લા કરવામા આવતા ધીમે ધીમે ધૂમાડાની તીવ્રતા ઘટવા લાગી હતી.ધૂમાડાની અસર ઓછી થવા લાગતા  બિલ્ડિંગની સીડી દ્વારા ધાબા ઉપર ફસાયેલા તમામ લોકોને સીડી મારફત નીચે ઉતારવામા આવ્યા હતા.


Google NewsGoogle News