વિરમગામના ગોડાઉનમાં રૂ.2.15 કરોડની ડાંગર પલળી, હવે બીજે ખસેડવા કરાશે 33 લાખનો ખર્ચ
Loss Of Quantity Of Paddy In Viramgam : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની બેદરકારીના કારણે વિરમગામમાં 2.15 કરોડ રૂપિયાની કિમતનો ડાંગરનો જથ્થો પલળી ગયો. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વિરમગામમાં ડાંગરનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું. ગોડાઉનમાં વરસાદી પાણી ભરાતા ડાંગરનો જથ્થો પલળી જવાથી નુકસાન થયુ છે. ડાંગરના જથ્થાને સાણંદના ગોડાઉનમાં ખસેડવાનો નિર્ણય કરાયો, જેના માટે સરકારને અંદાજે 33.10 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેવી માહિતી મળી છે.
આ પણ વાંચો : પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, સરસ્વતી નદીમાં એક જ પરિવારના સાત લોકો ડૂબ્યા, ત્રણનો બચાવ
2.15 કરોડના ડાંગરના જથ્થાને નુકસાન
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલા ડાંગરના જથ્થાનો સંગ્રહ કરાયો હતો. ડાંગરના સંગ્રહ માટે વિરમગામમાં બિલ્ડવેલ કોર્પોરેશન કંપનીના ત્રણ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, ઑગસ્ટ મહિનાના અંતમાં વિરામગામમાં ખાબકેલા ધોધમાર વરસાદના પાણી ભાડે રાખેલા ગોડાઉનમાં ભરાઈ ગયા હતા. જેના કારણે ગોડાઉનમાં સગ્રહ કરેલો ડાંગરનો જથ્થો પલળી જતા નુકસાન થયું છે. જેમાં ગોડાઉન સંચાલકોની પણ મોટી બેદરકારી સામે આવી છે.
ખાતર પર દિવેલ
હવે વિરામગામના ગોડાઉનમાંથી સાણંદના ગોડાઉનમાં ડાંગરનો જથ્થો ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના માટે 33.10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
સરકારે લોકોને કર્યા અલર્ટ, પોતે રહી ઉંઘતી
વરસાદને લઈને સરકાર લોકોને તો સાવચેત રહેવા અલર્ટ કરે છે, ખેડૂતો અને APMCને અનાજનો જથ્થો પલળે નહીં તેનું ધ્યાન રાખવા સૂચનાઓ આપે છે. પરંતુ પોતે કેવી બેદરકાર રહે છે તેનો આ નમુનો છે. જેના કારણે પ્રજાની પરસેવાની કમાણીના કોરોડો રૂપિયાનો વ્યય થાય છે.