ગુજરાતનો 'વિકાસ' કોતરી રહ્યા છે ભ્રષ્ટાચારીઓ: 90 ટકા કેસ પેન્ડિંગ, માત્ર 39 ટકાને સજા
International Anti-Corruption Day: જેમ શુદ્ધ પાણીમાં મીઠું ભળી જાય તેમ ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં વણાઈ ગયો છે. કાચના ગ્લાસમાં ભરેલું તે પાણી ભલે ચોખ્ખું લાગે પણ તેને પીવામાં આવે ત્યારે અહેસાસ થાય કે તેમાં કેટલી ખારાશ છે. સરકારના વિભાગોની કચેરીઓ, બોર્ડ-નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી 12,608 પૈકી પ્રાથમિક તપાસ માટે 578 ફરિયાદો જે તે સરકારી વિભાગોમાં મોકલવામાં આવી છે.
ગુજરાતમાં અત્ર-તત્ર ભ્રષ્ટાચાર
યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ડિસેમ્બરની ઉજવણી ‘ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે' તરીકે કરવામાં આવે છે. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે, ‘નૈતિક્તા નાદારી નોંધાવે અને પોતાની જાતને વેચવી એટલે ભ્રષ્ટાચાર. એનસીઆરબીના અહેવાલ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2022માં 160 અધિકારીઓ છટકાં ઝડપાયા હતા. 5 અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના સત્રમાં રજૂથયેલા તકેદારી આયોગના રિપોર્ટ પ્રમાણે આયોગે વિભાગોના 295 અધકારી અને કર્મચારી સામે શિસ્ત અને અપીલ નિયમો હેઠળ ભારે શિક્ષા કરવાની કાર્યવાહી કરવા તેમજ 54 અધિકારી સામે નાની શિક્ષાની કાર્યવાહી કરવા સૂચવ્યું છે. આ ઉપરાંત પેન્શન કાય માટે 44 અને 65 સામે અન્ય કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. એવી જ રીતે જાહેર સાહસોમાં 96 સામે ભારે શિક્ષા, પાંચને નાની શિક્ષા, એક સામે પેન્શન કાપ અને 40 સામે અન્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આમ કુલ 1548 અધિકારી અને કર્મચારી સામે શિસ્તભંગના પગલાં લેવાની ભલામણો સરકારને કરવામાં આવી છે.
21 વિભાગમાં 12 હજારથી વધુ ફરિયાદો
સરકારના વિભાગોની કચેરીઓ બોર્ડ-નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી 12,608 પૈકી પ્રાથમિક તપાસ માટે 578 ફરિયાદો જે તે સરકારી વિભાગોમાં મોકલવામાં આવી છે. 678માં જરૂરી કાર્યવાહી કરવાની થાય છે. 8378 એવી ફરિયાદો મળી છે કે જેમાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. અરજદાર પાસે વધુ વિગતો માગવામાં આવી હોય તેવી અરજીની સંખ્યા 225 થવા જાય છે, જ્યારે આયોગે તથ્ય નહીં હોવાથી 2749 ફરિયાદો દફતરે કરી છે. રાજ્ય તકેદારી આયોગ સમક્ષ ફરિયાદો કરવાનું પ્રમાણ વધ્યું છે તે છેલ્લા ત્રણ વર્ષના આંકડાથી સ્પષ્ટ થાય છે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિની સૌથી વધુ 2996 ફરિયાદો શહેરી વિકાસ વિભાગને લગતી હતી.
વર્ષ 2021માં પોલીસ દ્વારા ભ્રષ્ટાચારની તપાસના કુલ 434 કેસ પેન્ડિંગ હતા અને તેમાં વર્ષ 2022માં 176નો ઉમેરો થયો છે. 1 કેસને અન્ય રાજ્ય કે એજન્સીને ટ્રાન્સફર કરાયો હતો. જ્યારે 5 કેસ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા. માત્ર 22 કેસમાં અંતિમ અહેવાલ રજૂ કરાયો છે, જ્યારે 300 કેસમાં ચાર્જશીટ દાખલ થયેલી છે. આમ, વર્ષ 2022ના અંતે 282 કેસ પેન્ડિંગ હતા. વર્ષ 2022માં કોર્ટમાં એન્ટિ કરપક્ષ-વિજિલન્સ-લોકાયુક્ત હેઠળના 1880 કેસ પેન્ડિંગ વર્ષ 2021ના અંતે પેન્ડિંગ હતા. આ પૈકી 300 કેસને ટ્રાયલ માટે મૂકાયા હતા. વર્ષ 2022ના અંતે કોર્ટમાં ભ્રષ્ટાચારના 95 ટકા કેસ પેન્ડિંગ હતા. જ્યારે માત્ર 39 ટકા જ દોષિત પુરવાર થયા હતા તેમ એનસીઆરબીના અહેવાલમાં સામે આવ્યું છે.