મ્યુનિ.કમિશનરનો આક્રોશ, ફલાવરશો જોવા ભીડ થાય એ રોડ ઉપર જ દબાણ જોવા મળી રહયા છે
અમદાવાદમાં કયાંય પણ એન્ફોર્સમેન્ટ સ્કવોડની ગાડી જોવા મળતી નથી
અમદાવાદ,બુધવાર,8 જાન્યુ,2025
અમદાવાદમાં ઈન્ટરનેશનલ ફલાવર શો ચાલી રહયો છે. મ્યુનિસિપલ
કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉપર આક્રોશ વ્યકત કરતા કહયુ, ફલાવર શો જોવા
જયાં લોકોની ભીડ થાય છે એ રોડ ઉપર જ દબાણ જોવા મળી રહયા છે.હું ઉત્તર-પશ્ચિમ ઝોનથી
નીકળી શાહીબાગ પહોંચ્યો ત્યાં સુધી મને એક પણ એનફોર્સમેન્ટ સ્કવોર્ડની ગાડી
રસ્તામાં જોવા મળી નહતી.અમદાવાદમાં દબાણ દુર કરવા કયાંય પણ એન્ફોર્સમેન્ટ
સ્કવોર્ડની ગાડી જોવા મળતી નથી.તમે આવી રીતે કામ કરો છો?
ફલાવર શોને કારણે રોજ મોટી સંખ્યામાં લોકો આ શો જોવા માટે
પહોંચી રહયા છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને એસ્ટેટ વિભાગના અધિકારીઓને
ખખડાવતા કહયુ, સરદારબ્રિજ
અને આશ્રમરોડ સહીતના ફલાવર શોમાં પહોંચવાના રસ્તાઓ ઉપર મોટી સંખ્યામા દબાણો જોવા
મળી રહયા છે.એસ્ટેટ વિભાગમાં આવી રીતે કામ કરો છો?શહેરના દરેક રસ્તા ઉપર દબાણ જોવા મળી રહયા છે.જાહેર મિલકતો
ઉપર જાહેરાતના બોર્ડ અને સ્ટીકરો આડેધડ લગાવી દેવામા આવેલા છે.જે અંગે પણ કોઈ
કામગીરી કરવામા આવતી નથી.શિવરંજની વિસ્તારમાં રોડની કામગીરી અંગે ચર્ચા દરમિયાન
બી.આર.ટી.એસ.રોડ પાકો બનાવવાની ચર્ચા સમયે રોડ પ્રોજેકટ વિભાગના અધિકારીએ આ રોડ
બી.આર.ટી.એસ.દ્વારા બનાવાતો હોવાનો જવાબ આપવામા આવતા મ્યુનિ.કમિશનરે કહયુ,બી.આર.ટી.એસ.ના
અધિકારી આમા નિષ્ણાત છે? અખબારનગરથી
રાણીપ ડી-માર્ટ સુધીનો રસ્તો પણ ખરાબ છે.આ કામગીરી રોડ પ્રોજેકટ વિભાગે જ કરવાની
હોય.સીટી ઈજનેરે આ કામગીરી ઝોન તરફથી કરવામા આવે છે એમ કહેતા ઝોનના અધિકારીએ કહયુ,હું મિટીંગ પછી
કહુ છુ.આ સાંભળી મ્યુનિ.કમિશનર ગુસ્સે ભરાયા હતા અને અધિકારીને કહયુ,જે કહેવુ હોય એ
અહીં કહો.તમે એકબીજા ઉપર જવાબદારી નાંખો છો.
શું શહેરમાં એક જ ટુરીસ્ટ સ્પોટ છે? મ્યુનિ.કમિશનર
શહેરના કેટલાક વિસ્તારોમાંથી બેથી ત્રણ વખત કચરો ઉપાડવામા
આવે છે.સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી દ્વારા શહેરમા એક જ ટુરીસ્ટ સ્પોટ બતાવવામા
આવતા મ્યુનિ.કમિશનરે કહયુ,શું
શહેરમાં એક જ ટુરીસ્ટ સ્પોટ આવેલુ છે?ડેપ્યુટી
ડાયરેકટરને કમિશનરે કહયુ,તમે જાતે
ફિલ્ડમાં કેમ નીકળતા નથી.આમા તમારી કામગીરી યોગ્ય નથી.