વિસત-ગાંધીનગર હાઈવે ઉપર ચાંદખેડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં આગ, કરોડોનું નુકસાન
રહેણાંક વિસ્તારના કાપડના ગોડાઉનની સાથે આવેલી ચાર દુકાનનો કાપડનો જથ્થો ખાખ
અમદાવાદ,મંગળવાર,1 ઓકટોબર,2024
વિસત-ગાંધીનગર હાઈવે ઉપર ચાંદખેડા વિસ્તારના કાપડના એક
ગોડાઉનના ભોંયરામાં ભીષણ આગ લાગવાની ઘટના
બની હતી. રહેણાંક વિસ્તારમાં ધમધમતા કાપડના ગોડાઉનમાં આગ લાગવાથી ચાર દુકાનમાં
રાખવામાં આવેલો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગને આગ લાગવા પાછળ
ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી. ફાયર સૂત્રોના કહેવા મુજબ આગથી રુપિયા ૧૮ કરોડનુ
નુકસાન થયુ હોવાનો અંદાજ છે.સાંજે પાંચ કલાકે કુલીંગની કામગીરી પુરી કરાઈ હતી.
મંગળવારે સવારે ૭.૧૫ કલાકના સુમારે ફાયર કંટ્રોલને ચાંદખેડા
વિસ્તારમાં આવેલા ડી-માર્ટ પાસેઆવેલા યુનાઈટેડ-૧૮ના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનો મેસેજ મળતા ચાંદખેડા
ફાયર સ્ટેશન ઉપરાંત અન્ય ફાયર સ્ટેશનના જવાનો સાથે નવ જેટલા ફાયરના વાહનો દ્વારા
ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા.ગોડાઉનના
ભોંયરામાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી.આસપાસમાં રહેણાંક વિસ્તાર
હોવાથી એમ્બ્યુલન્સ સહીત બાર જેટલા વાહનોની મદદથી આગ બુઝાવવા ફાયર વિભાગકામગીરી
શરુ કરી હતી.ભોંયરામાં લાગેલી આગથી ધુમાડો પુષ્કળ પ્રમાણમાં ફેલાઈ જતા બ્લોરની
મદદથી ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો.ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી વિગત મુજબ,ગોડાઉનની સાથે
આવેલી ચાર દુકાનમાં રાખવામાં આવેલો કાપડનો જથ્થો
આગમાં ખાખ થઈ ગયો હતો.