શુક્રવારે રાતે બોપલના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં ફટાકડાના કારણે લાગેલી આગ પાંચ કલાકે બુઝાઈ
બિલ્ડિંગમાં એમ અને એન બ્લોક જોઈન્ટ હોવાથી મોટી જાનહાની ટળી,દરેક ફલેટમાં પુષ્કળ પ્રમાણમાં ધુમાડો હતો
અમદાવાદ,શનિવાર,16
નવેમ્બર,2024
શુક્રવારે રાતે બોપલના વકીલ બ્રિજ પાસે આવેલા ૨૨ માળના
ઈસ્કોન પ્લેટિનમ નામના બિલ્ડિંગના એમ બ્લોકની ઈલેકટ્રીક ડકટમાં શોટ સરકીટ થવાથી આગ
લાગી હતી. આગની આ ઘટનામાં મીના બહેન શાહ,ઉંમરવર્ષ-૬૫
નામના મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જયારે ધુમાડાના કારણે ગભરામણ સહિતની
અન્ય ફરિયાદને લઈ ૧૪થી વધુ રહીશોને વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
હતા.તમામને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે.દેવ દિવાળી પર્વને કારણે
બિલ્ડિંગના ટોપ ફલોર ઉપર ફટાકડાં ફોડવામાં આવ્યા હતા.જે દરમિયાન કોઈ ફટાકડો આઠમા
માળે આવેલી ઈલેકટ્રીક ડકટ ઉપર જઈ પડયો હતો.જેના કારણે આગ લાગી હોવાનું આધારભૂત
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.બિલ્ડિંગમાં એમ અને એન બ્લોક જોઈન્ટ હોવાના કારણે મોટી
જાનહાની ટળી હતી.ફાયર વિભાગ પાંચ કલાક બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ શકયુ હતુ.
બોપલમાં આવેલા ઈસ્કોન પ્લેટિનમમાં કુલ ૧૯ બ્લોક આવેલા છે.
શુક્રવારે રાતે ૧૦.૫૫ કલાકે બેઝમેન્ટ ઉપરાંત ગ્રાઉન્ડ સહિત કુલ ૨૨ માળના એમ
બ્લોકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એમ બ્લોકમાં ૮૦ કરતા વધારે ફલેટ
આવેલા છે. પ્રાથમિક વિગત મુજબ,
શોટ સરકીટ થવાના કારણે ૮મા માળ ઉપર આવેલી ઈલેકટ્રીક ડકટથી આગની શરુઆત થઈ
હતી.ઈલેકટ્રીક ડકટની વર્ટીકલ પોઝીશન હોવાથી આગ અને ધુમાડો છેક ૨૨મા માળ સુધી
પહોંચ્યો હતો.બિલ્ડિંગમાં આવેલા ૧૯,૨૦,૨૧ અને ૨૨મા
માળના ડકટની નજીકમાં આવેલા દરવાજા પણ આગની
લપેટમાં આવી ગયા હતા.આ પરિસ્થિતિમાં ઉપરના માળ ઉપર રહેતા રહીશો જીવ બચાવવા ટેરેસ
ઉપર પહોંચી ગયા હતા.ફાયર વિભાગને બિલ્ડિંગમાં આગ લાગવા અંગેની જાણ થતાં વોટર બાઉઝર, વોટર ટેન્કર સહિત
૧૪ જેટલા વાહનોની મદદથી આગને હોલવવાની કામગીરી વિભાગના જવાનો અને અધિકારીઓ દ્વારા
શરુ કરવામાં આવી હતી.ઈલેકટ્રીક ડકટમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પહોંચતા
શરુઆતમાં રહીશોએ ફટાકડાના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન કરી જીવ બચાવવા
પ્રયાસ શરુ કર્યા હતા.આ તરફ આગને કારણે બિલ્ડિંગમાં આવેલા ફલેટના દરવાજા તેમજ
લાકડુ સળગવાના કારણે ૨૨મા માળ સુધી પુષ્કળ પ્રમાણમાં ધુમાડો ફેલાતા રહીશો પૈકી
ઘણાં બધાને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી હતી.ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગના
સ્ટેરકેસ દ્વારા તમામને સલામત નીચે ઉતારવાની કામગીરી શરુ કરાઈ હતી.૨૦,૨૧ તથા ૨૨મા માળ
ઉપર ફસાયેલા લોકોને ટેરેસના માર્ગે બાજુના બિલ્ડિંગમાં સલામત પહોંચાડવામાં આવ્યા
હતા. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ, બિલ્ડિંગમાં
લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમ વર્કીંગ કન્ડીશનમાં હતી.જે સિસ્ટમની મદદથી
બિલ્ડિંગમાં પાણીનો મારો ચલાવવામાં આવ્યા પછી પાંચ કલાકે આગ કાબૂમાં લઈ શકાઈ હતી.
ફાયર વિભાગે સ્નોર સ્કેલ મંગાવી પણ તે ચાલુ જ ના કરી શકાઈ
બોપલના પ્લેટિનમ ઈસ્કોન નામના બિલ્ડિંગના એમ બ્લોકમાં
લાગેલી આગના કારણે બિલ્ડિંગના ઉપરના માળ તથા ટેરેસ ઉપર ફસાયેલા રહીશોને સલામત રીતે નીચે ઉતારવા ફાયર વિભાગ
તરફથી ૫૫ મીટર ઉંચાઈ ધરાવતી સ્નોર સ્કેલ છેક નિકોલથી મંગાવવામાં આવી હતી.પરંતુ આ
સ્નોર સ્કેલ ચાલુ કરવાના પ્રયાસ છતાં ચાલુ થઈ શકી નહતી.થલતેજ ફાયર સ્ટેશન ખાતે
ફાયર વિભાગની વધુ એક સ્નોરસ્કેલ છે.જે છેલ્લા
ઘણાં સમયથી રીપેરીંગના અભાવે બંધ હાલતમાં છે.
ડીસ્ચાર્જ આપવામાં
તથા સલામત નીચે ઉતારાયેલાઓના નામ
૧. અનન્ય સંદીપ સોની
૨.કાલીપ્રસાદ શાહ
૩.માન્યતા શાહ
૪.સુસ્મિતા શાહ
૫.તન્મય શાહ
૬.સુશીલ ગુપ્તા
૭.આરુષ ગુપ્તા
૮.પ્રનિકા
૯.માયા શાહ
૧૦.અમિતકુમાર કે શાહ
૧૧.દીપ અમીતકુમાર
૧૨.રજની અતુલ
૧૩.કમલેશ ટી શાહ
૧૪.આરવી નિશિત શાહ
૧૫.કવિતા શાહ
૧૬.નિશિત શાહ
૧૭.વિશાલ સાવલીયા
૧૮.કૃપા લીંબાચીયા
૧૯.શ્રૃતિ માહુર
૨૦.રજક માહુર
૨૧.અનન્ય ગુપ્તા