રાજ્યની 107 પાલિકાની તિજોરી ખાલીખમ, કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Representative image in Salary


Economic condition of the municipalities in Gujarat is miserable: વાઈબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યની 107 નગરપાલિકાની દશા એવી છે કે, ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકાઓએ નાણાકીય સદ્ધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી. મહત્ત્વનું છે કે, ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઇ પડતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

નગરપાલિકાઓની કંગાળ હાલતના કારણે રાજ્યમાં ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીએ પગાર ન મળતા મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, જેમાં 107 પાલિકા એવી છે જેમાં ચીફ ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ પૈસા નથી. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી રહ્યા છે. તો બીજી તરફ  નગરપાલિકાનું તંત્ર જાણે ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે. 

નગરપાલિકાઓની આવી દશા કેમ થઈ?

નગરપાલિકાઓની આ દશા પાછળના કેટલાંક કારણો જવાબદાર છે. જેમ કે, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કારણે કરવેરા વસૂલાતા નથી. પ્રજાના રોષનો ભોગ બનવું પડે તે માટે કરવેરા નિયમિત વસૂલાતાં નથી. જેથી મોટાભાગની પાલિકાની આર્થિક સ્થિતિ ડગુમગુ થઈ છે. આ સ્થિતિમાં કેટલીક નગરપાલિકાઓ વીજબિલ ભરવા પણ સમક્ષ નથી, તો લાખો રૂપિયાનો પાણી વેરો બાકી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ઓક્ટ્રોયની ગ્રાન્ટ રોકી રાખી છે. 

રાજ્ય સરકારની અવળચંડાઈને કારણે ચીફ ઓફિસરથી માંડીને 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીઓને પગાર મળી શક્યો નથી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હોવા છતાં સરકારી કર્મચારીઓને કોણીએ ગોળ ચોંટાડીને સંતોષ માની લે છે. નગરપાલિકાઓ પાસે આવકનો સ્ત્રોત જ નથી. પરિણામે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. હવે જ્યારે સરકારી કર્મચારીઓની ધીરજ ખૂંટી છે ત્યારે પગાર મામલે આંદોલન થાય તો નવાઈ નહીં.

રાજ્યની 107 પાલિકાની તિજોરી ખાલીખમ, કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી 2 - image


Google NewsGoogle News