ગુજરાતભરમાં ડાન્સ-આતશબાજી સાથે નવા વર્ષની ઊજવણી, અમદાવાદના સિંધુભવન-CG રોડ પર માનવમહેરામણ
New Year Celebration In Ahmedabad : ગુજરાતમાં 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં લોકો જોરશોરની ઉજવણી સાથે નવા વર્ષને આવકારી રહ્યા છે. જ્યારે 2025ને વધાવવા માટે અમદાવાદ સહિતના શહેરમાં પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. જેમાં અમદાવાદના બોડકદેવ પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, સીજી રોડ, SP રિંગરોડ સહિતના રસ્તાઓ પર કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાતમાં પોલીસ એક્શનમાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં ઠેર-ઠેર નવા વર્ષની ઉજવણી
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈને લોકો શહેરના વિવિધ જાણિતા વિસ્તારોમાં ફરવા નીકળ્યા છે, ત્યારે સીજી રોડ, સીધું ભવન સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ દરમિાયાન મ્યુનિસિપલ માર્કેટમાં ખાણીપીણીની દુકાનો ઉપર મોટી સંખ્યામાં લોકોની ભડી જોવા મળી છે.
સિંધુભવન પર પોલીસ અધિકારીઓનું નિરીક્ષણ
31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં મોડમાં છે. નવા વર્ષને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે સિંધુભવન ખાતે ચાલીને અધિકારીઓએ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સિંધુભવન પહોંચ્યા છે.
વડોદરા-રાજકોટમાં નવા વર્ષના વધામણાની ઉજવણી
2025 નવા વર્ષની ઉજવણીને લઈને વડોદરાના સેવાસી રોડ સહિતના 10થી વધુ વિસ્તારોમાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. જેમાં સેવાસી રોડ પરના વાઘેશ્વરી ફાર્મમાં મોટી સંખ્યામાં યુવાનો મ્યુઝિક-સોન્ગ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. આ સાથે નાના બાળકો, મહિલાઓ સહિતના તમામ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જેમાં શહેરના લગભગ 8 પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં હર્ષોલ્લાસ સાથે લોકો ઉજવણી કરી.