માદલપુર અંડરબ્રિજ પાસે આવેલા મધુવન ટાવરના ત્રીજા માળની ઓફિસમાં આગ, ૪૦ લોકોને સલામત નીચે ઉતારાયા
ત્રીજા માળની ઓફિસમાં લાગેલી આગનો ધુમાડો નવમા માળ સુધી ફેલાયો, તમામને સીડી ઉપરનો ધુમાડો દુર કરી ઉતારવામા આવ્યા
અમદાવાદ,સોમવાર,29
એપ્રિલ,2024
અમદાવાદના માદલપુર અંડરબ્રિજ પાસે આવેલા નવ માળના મધુવન
ટાવરના ત્રીજા માળની ઓફિસમાં સોમવારે સવારે આગ લાગી હતી.ત્રીજા માળે લાગેલી આગનો
ધુમાડો જોતજોતામા છેક નવમા માળ સુધી ફેલાઈ જતા અલગ અલગ ઓફિસમાં કામ કરતા લોકો નવમા
માળ સુધી પહોંચી ગયા હતા.ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગની સીડીમાં ફેલાયેલા ધુમાડાને
બ્લોઅરની મદદથી દુર કરી ૪૦ લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા.શોટ સરકીટ થવાથી આગ
લાગી હોવાનુ પ્રાથમિક તારણ ફાયર વિભાગ તરફથી આપવામા આવ્યુ છે.
એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા મધુવન ટાવરના ત્રીજા માળની
ઓફિસમાં આગ લાગતા જોતજોતામા ધુમાડો ઉપરના
ચારથી લઈ આઠમા માળ સુધી તેમજ બિલ્ડિંગની સીડીમા ફેલાઈ જતા અલગ અલગ ફલોર ઉપર આવેલી
ઓફિસના લોકોએ બહાર નીકળવા રસ્તો શોધવાપ્રયાસ કર્યો હતો.શરુઆતમા લોકોએ ધાબા ઉપર જવા
પ્રયાસ કર્યો હતો.પરંતુ ધાબાનો દરવાજો બંધ હોવાથી લોકો નવમા માળે આવેલી ઓફિસમા
રહયા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.ફાયર કંટ્રોલને સવારે ૧૧.૧૫ કલાકે કોલ મળતા ત્રણ મીની ફાયર ફાઈટર, બે ગજરાજ
એમ્બ્યુલન્સ સહિતના વાહન સાથે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર,ડિવીઝનલ ફાયર
ઓફિસર તથા સ્ટેશન ઓફિસર સહિત ફાયરના જવાનોએ ધુમાડાને કારણે બિલ્ડિંગમા ફસાયેલા
લોકોને નીચે ઉતારવાની કામગીરી શરુ કરી હતી.કોલ એટેન્ડ કરનારા અધિકારીના કહેવા મુજબ, ત્રીજા માળે
કૃણાલ ઓર્ગેનિક નામની કંપનીની ચાર ઓફિસ આવેલી છે.આ ઓફિસમાં શોટ સરકીટ થવાથી આગ
લાગી હતી.ચોથા માળથી લોકોને શોધી નીચે ઉતારવાની કામગીરી શરુ કરાઈ હતી.દરમિયાન આઠમા
માળ ઉપર ધુમાડાને બહાર નીકળવા માટે યોગ્ય વેન્ટીલેશન ના હોવાથી બારીના કાચ તોડી
ફાયરના જવાનોને અંદર જવાની ફરજ પડી હતી.બિલ્ડિંગમાં લગાવાયેલી ફાયર સિસ્ટમ વર્કિંગ
કન્ડીશનમાં હોવાનુ ફાયર વિભાગના અધિકારીનુ
કહેવુ હતુ.