Get The App

ખેત પેદાશોને રક્ષણ આપતી સહાયમાં વધારો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હવે એક લાખની કરાઈ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
ખેત પેદાશોને રક્ષણ આપતી સહાયમાં વધારો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હવે એક લાખની કરાઈ 1 - image


Mukhya Mantri Paak Sangrah Structure Yojana: ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે. 

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50 ટકા અથવા 75 હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી. જોકે, હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે.

ખેડૂતોને 184.27 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ 2021-22થી વર્ષ 2023-24 સુધીમાં રાજ્યના 36,600થી વધુ ખેડૂતોને સંગ્રહસ્થાન ઊભું કરવા માટે 184.27 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ 13,982 ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો:  22 માળના ઇસ્કોન પ્લેટિનમમાં આગ: એક મહિલાનું મોત, 37નું રેસ્ક્યૂ કરાયું, 21 ઈજાગ્રસ્ત


ખેડૂતોની આવકમાં વધારો થશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે 16થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે. એટલું જ નહિ, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બીયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.

ખેત પેદાશોને રક્ષણ આપતી સહાયમાં વધારો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હવે એક લાખની કરાઈ 2 - image


Google NewsGoogle News