"27 ટકા OBC અનામતમાં 20 અને 7 એમ બે ભાગ પાડવામાં આવે", સાંસદ ગેનીબહેન ઠાકોરનો વડાપ્રધાન મોદીને પત્ર
Geniben Thakor On OBC Reservation : ગુજરાતમાં OBC અનામત મુદ્દે બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરે ગુજરાતની 27 ટકા OBC અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે. પત્રમાં ગેનીબહેને OBC અનામતમાં વિભાજન અંગે જણાવ્યું છે કે, 27 ટકા જે અનામત છે તેના 20 અને 7 એમ બે ભાગ કરવામાં આવે. ઠાકોર, કોળી સહિતની અતિ પછાત જાતિ માટે 27 ટકામાંથી 20 ટકા અનામત આપવામાં આવે.
ગેનીબેને પત્રમાં લખ્યું છે કે, OBCમાં 146 જાતિઓ આવે છે પરંતુ તેમાંથી ઠાકોર, કોળી, ધોબી, મોચી, વાદી, વાંસકોડા, ભોઈ, નુતારા, ડબગર, ડફેર, ફકીર, ભુવારિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથર, નટ, બરૈયા, રાવળ, સલાટ, સલાડિયા, વણઝારા સહિતની 23થી વધારે અનેક જાતિઓ છે. જે દેશ આઝાદ થયા પછીના આટલા વર્ષ પછી પણ વિકાસથી વંચિત છે. તેનું મુખ્ય કારણ તેમને OBC અનામતમાં મળતા અનામતના લાભોમાં બહુ મોટી અસમાનતા છે.
તેઓ OBC અનામતનો જોઈએ તેટલો લાભ શૈક્ષણિક અને રોજગારમાં લઈ શકતા નથી. તેનું મુખ્ય કારણ OBCમાં આવતી બીજા પાંચ કે 10 જાતિઓ સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ છે અને સામાજિક રીતે સવર્ણ સમાજ સાથે જોડાયેલી છે. તે જાતિઓ આ OBCની 27% અનામતમાંથી 90 ટકાથી વધુ લાભ આ 5 કે 10 જાતિઓ લઈ લે છે. જેથી આ પછાત જાતિઓ OBCમાં આવે છે, તે આ OBCનો લાભ લઈ શકતી નથી. ઉપરોક્ત અતિપછાત જાતિઓને 27%માંથી એક ટકો કે બે ટકો લાભ મળે છે. માટે મારી નમ્ર વિનંતી છે કે OBCની 27% અનામતમાંથી ઠાકોર, કોળી સહિતની 23 જાતિઓ તેમજ આવી બીજી અતિ પછાત જાતિઓ કે જેમને છેલ્લા 20 વર્ષમાં શૈક્ષણિક અને સરકારની નોકરીમાં કેટલો લાભ મળ્યો છે તે સર્વે કરવામાં આવે.
આ સર્વે બાદ આર્થિક રીતે પછાત તરીકે આ 5 કે 10 જાતિઓને અને તેમના જેવી બીજી જાતિઓ જેમણે OBC અનામતનો લાભ વધુ લીધો છે એમને સાત ટકા અનામત અલગ આપવામાં આવે. જ્યારે ઠાકોર અને કોળી સહિતની અતિપછાત જાતિઓને છેલ્લા 20 વર્ષમાં શૈક્ષણિક કે રોજગારમાં અનામતનો લાભ મળ્યો નથી. એવી જાતિઓ ને 27%માંથી 20 ટકા અનામત અલગ આપવામાં આવે એવી મારી આપને નમ્ર વિનંતી છે.
ગેનીબેન ઠાકોરે આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે તેમની ખાલી પડેલી વાવ-ભાભર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમણે OBC અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે કરાવવાની પણ માગણી કરી છે.