ઝઘડિયાની બાળકીને ક્યારે મળશે ન્યાય? ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ
POCSO Case In Gujarat: ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર પાશવી કૃત્ય કરનારને કડકમાં કડક સજા ક્યારે મળે છે તે પણ મોટો સવાલ છે. ગુજરાતમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO) હેઠળ 4375 જેટલા કેસ હજુ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.
ન્યાય ક્યારે મળશે તારીખ પે તારીખ
ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 31મી ઓક્ટોબરની સ્થિતિએ દુષ્કર્મના 912 કેસ પેન્ડિંગ છે. પોક્સો હેઠળ પેન્ડિંગ કેસની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 59,174, બિહારમાં 19,172, મધ્ય પ્રદેશમાં 7,212, આંધ્ર પ્રદેશમાં 6,594, ઓડિશામાં 6,199, આસામમાં 6030નો મુખ્યત્વે સમાવેશ થાય છે. દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ઝડપી ન્યાય મળે તેના માટે ઓક્ટોબર 2019માં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.
31મી ઓક્ટોબર 2024ની સ્થિતિએ 30 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં 750 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ અને 408 માત્ર પોક્સો માટેની કોર્ટ કાર્યરત્ છે. આ 30 કોર્ટ દ્વારા 2.87 લાખથી વધુ કેસનો નિકાલ થયો છે. માત્ર પોક્સો માટેની અદાલતમાં 1.83 લાખ કેસનો નિકાલ થયો છે અને 1.41 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે.
આ પણ વાંચો: IPOમાં રોકાણ કરવામાં ગુજરાત દેશમાં અવ્વલ: દર ચારમાંથી ત્રણ IPOમાં નફો મળ્યો
ગુજરાતમાં માત્ર પોક્સો માટેની 24 કોર્ટમાં અત્યારસુધી 10,871 કેસનો નિકાલ થયો છે. એક અહેવાલ પ્રમાણે 2014થી 2021 દરમિયાન ગુજરાતમાં પોક્સો કેસમાં 398.50 ટકાનો વધારો થયો છે. આ દરમિયાનમાં કુલ 14,252 કેસ નોંધાયા છે પણ માત્ર 231ને સજા થઈ છે. ગુજરાતને પોક્સો હેઠળના તમામ કેસના ચુકાદા માટે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે.