કુપોષિત ગુજરાત: 5.70 લાખ બાળકો પોષણથી વંચિત, ચાંદીપુરાના સંક્રમણનું આ પણ એક કારણ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
More than 5.70 lakh children are malnutrition in Gujarat
Image : Pixabay Representative

Chandipura Virus: ચાંદીપુરા વાઈરસનો ભોગ બનનારાને યોગ્ય સારવાર ના મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. તેનું કારણ એ છે કે, ચાંદીપુરા વાઈરસ રોગ પ્રતિકારક શક્તિને નબળી કરી નાંખે છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં બાળકોમાં ચાંદીપુરા રોગના કેસ વધ્યા છે તેનું કારણ બાળકોમાં પોષણનો અભાવ અથવા કુપોષણ છે. ગુજરાતની કુપોષણની સમસ્યા ચાંદીપુરા વાઈરસ જેવા રોગોના ફેલાવામાં મોટું યોગદાન આપી રહી છે.

ગુજરાત દેશમાં કુપોષણમાં ચોથા નંબરે

ગુજરાત દેશમાં કુપોષણમાં ચોથા નંબરે છે એવું કેન્દ્ર સરકારનો રીપોર્ટ જ કહે છે તેથી ગુજરાત પર ચાંદીપુરા વાઈરસનો ખતરો વધારે છે. ભવિષ્યમાં આ રોગ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. કમનસીબે ગુજરાત સરકાર કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવાની વાતો કરે છે પણ કશું નક્કર કરતી નથી. દર વર્ષે કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ કુપોષણનો ભોગ બનનારાંની સંખ્યા વધતી જ જાય છે. રાજ્ય સરકારે 2023-24ના બજેટમાં 5500 કરોડ રૂપિયા કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ફાળવેલા છતાં આ સમસ્યા ઠેરની ઠેર છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક વધીને 27 થયો, 20 જિલ્લામાં પગપેસારો

ગુજરાતમાં 5.70 લાખથી વધારે બાળકો કુપોષણનો શિકાર

ગુજરાતમાં ગર્ભવતી સ્ત્રીઓમાં કુપોષણનો દર પણ અત્યંત ઉંચો હોવાથી ગુજરાતમાં નવજાત બાળકોના મોતનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે લોકસભામાં ડિસેમ્બર, 2023માં માહિતી આપી હતી કે, નવજાત બાળકોને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં ગુજરાત દેશભરમાં બીજા સ્થાને છે. ગુજરાતમાં કુપોષણના કારણે દર વર્ષે 30 હજારથી વધારે બાળકો મોતને ભેટે છે.ગુજરાત સરકારે પોતે જ વિધાનસભામાં ફેબ્રુઆરી, 2024માં મળેલા શિયાળુ સત્રમાં કબૂલાત કરી હતી કે, ગુજરાતમાં 5.70 લાખથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે. 

આ પણ વાંચો : ચાંદીપુરા વાઈરસ ખરેખર શું છે? કેવી રીતે ફેલાય છે આ, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાતમાં હજુ ઘણા કેસ સારવાર હેઠળ

રાજ્ય સરકારે એવી કબૂલાત પણ કરી હતી કે, કુપોષણની સમસ્યાને નાથવા માટે જરૂરી કામગીરી ગુજરાતમાં થઈ નથી શકતી. ગુજરાતમાં હાલમાં ખતરનાક બની રહેલા ચાંદીપુરા વાઈરસે ગુજરાતમાં 16 બાળકોનો ભોગ લઈ લીધો છે અને હજુ ઘણા કેસ સારવાર હેઠળ છે તેથી આ કેસ વધી શકે છે. ચાંદીપુરા વાઈરસે ભૂતકાળમાં પણ ગુજરાતમાં 17 લોકોનો ભોગ લીધો હતો. 2010માં ગુજરાતમાં ચાંદીપુરા રોગચાળાના 29 કેસ નોંધાયા હતા પણ તેમાંથી 17 લોકોનાં મોત થયાં હતાં. ખેડામાં નોંધાયેલા 18 કેસમાંથી 6 લોકોનાં મોત થયાં હતાં જ્યારે પંચમહાલમાં 9 કેસ નોંધાયા હતા અને તમામ 9નાં મોત થયાં હતાં. વડોદરા જિલ્લામાં પણ ચાંદીપુરા વાઈરસનો ભોગ બનેલાં બંને લોકોનાં મોત થયાં હતાં.

કુપોષિત ગુજરાત: 5.70 લાખ બાળકો પોષણથી વંચિત, ચાંદીપુરાના સંક્રમણનું આ પણ એક કારણ 2 - image


Google NewsGoogle News