અમદાવાદમાં લગ્નના જમણવાર બાદ વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ, તમામને હોસ્પિટલ ખસેડાયા
રાજપીપળાથી જાન અમદાવાદના નિકોલમાં આવી હતી
નડિયાદ નજીક રસ્તામાં જ જાનૈયાઓને ઝાડા-ઉલ્ટી શરૂ થયા હતા
Food Poisoning In Wedding : ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે અને ઠેર ઠેર શરણાઇઓ વાગી રહી છે ત્યારે અમદાવાદમાં લગ્નમાં જમણવાર બાદ વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. વર-કન્યા સહિત જાનૈયાઓની રસ્તામાં જ તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમદાવાદથી જાન પરત ફરતી વેળાએ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ
અમદાવાદના નિકોલમાં રાજપીપળાથી જાન લઈને આવેલા વર-કન્યા સહિત જાનૈયાઓની નડિયાદ નજીક અચાનક તબિયત લથડતા તાત્કાલિક નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ જાનૈયાઓએ લગ્ન પ્રસંગમાં દૂધની બનાવટનું જ્યુસ તેમજ હલવો આરોગ્યો હતો. આ ઉપરાંત કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમદાવાદથી રાજપીપળા પરત ફરતી વેળાએ વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.
નડિયાદ ટોલ પાસે જાનૈયાઓનું સ્વાસ્થ્ય બગડ્યું હતું
હિંમાશુ ભાવસાર અને તેમનો પરિવાર એક બસ અને ચાર કાર લઇને અમદાવાદના રાજપીપળાથી નિકોલ વિસ્તારમાં લગ્ન માટે આવ્યા હતા. લગ્નમાં કન્યા વિદાય બાદ વર-કન્યા સહિત જાનૈયાઓનું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ પાસે સ્વાસ્થ્ય બગડ્યુ હતુ. સોમવારે મોડી રાતે લગ્ન પુરા કરીને જાનૈયાઓ બસમાં અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા. ત્યારે નડિયાદ પાસે આ ઘટના બની હતી. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને પેટમાં દુખવા લાગ્યુ હતું. ચાલુ બસમાં જાનૈયાઓને ફૂડ પોઈઝનની અસર શરૂ થઈ હતી અને ઝાડા-ઉલ્ટી શરૂ થયા હતા.