Get The App

ગુજરાતમાં વધ્યો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ, વિદેશમાં પણ થવા લાગી નિકાસ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
Farmer


Gujarat Farmer And Nano Revolution : ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નેનો યુરિયા (પ્રવાહી) અને હવે નેનો યુરિયા પ્લસ, નેનો ડી.એ.પી. (પ્રવાહી) વિકસિત કર્યું. ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ, મલ્ચિંગ અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. જ્યારે હવે નેનો યુરિયા (પ્રવાહી) પણ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશોમાં પણ નેનો યુરિયાની નિકાસ કરવામાં આવે છે.

નેનો યુરિયાનું વેચાણ વધ્યું

ગુજરાતમાં વર્ષ 2021-22માં નેનો યુરિયાની 8,75,000 બોટલના વેચાણની સરખામણીએ 2022-23માં 17,65,204 બોટલનું વેચાણ થયું હતું. વર્ષ 2023-24માં આ આંકડો વધીને 26,03,637 બોટલ સુધી પહોંચી ગયો છે. જ્યારે નેનો યુરિયા પ્લસ (પ્રવાહી)ની એક બોટલ પરંપરાગત યુરિયાની 45 કિલોની એક બોરી બરાબર હોય છે. નિષ્ણાતો અનુસાર, આનાથી ઉત્પાદન તો વધે જ છે, સાથે પાકની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તે પરંપરાગત યુરિયાની સરખામણીમાં સસ્તુ છે અને તેનાથી ખેતીનો ખર્ચ પણ ઘટે છે. નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોનો પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઓછો થશે તેમજ ઉપજ વધવાની સાથે-સાથે તેમની આવકમાં પણ વધારો થશે.

ગુજરાતમાં વધ્યો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ, વિદેશમાં પણ થવા લાગી નિકાસ 2 - image

ગુજરાતમાં થઈ 'નેનો ક્રાંતિ'ની શરૂઆત

વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક IFFCO, કલોલ ખાતે બનેલા વિશ્વના પ્રથમ નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 175 કિલોલિટર (1 કિલોલિટર=1000 લિટર) પ્રતિ દિવસની છે. IFFCOએ આ સ્વદેશી નેનો ખાતરની પેટન્ટ પણ મેળવી લીધી છે. એટલું જ નહીં, IFFCO હવે શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને બ્રાઝિલ જેવા દેશોમાં નેનો યુરિયાની નિકાસ કરી રહ્યું છે. તો U.S.Aમાં નેનો ફર્ટિલાઈઝરનું નિદર્શન પણ કરી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતના સરથાણા નેચર પાર્કમાં નવું મહેમાન આવ્યું : માદા રીંછ રિદ્ધિએ બચ્ચાને જન્મ આપ્યો

ખર્ચમાં ઘટાડો થશે, સ્ટોરેજમાં અનુકુળતા

બોરીઓમાં ઉપલબ્ધ પરંપરાગત યુરિયા અને ડી.એ.પીની સરખામણીમાં બોટલમાં મળતા નેનો ફર્ટિલાઈઝર (નેનો યુરિયા પ્લસ અને નેનો ડી.એ.પી)નો પરિવહન અને સંગ્રહ ખર્ચ બહુ ઓછો છે. ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરને થેલીમાં રાખીને સરળતાથી ખેતર સુધી લઈ જઈ શકે છે. નેનો યુરિયા નાની બોટલમાં ઉપલબ્ધ હોવાથી તેના સ્ટોરેજ માટે મોટા વેરહાઉસની પણ જરૂર નથી પડતી.

નેનો ફર્ટિલાઈઝર છે પર્યાવરણને અનુકૂળ

પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરની સામે નેનો યુરિયા (પ્રવાહી) અને નેનો ડી.એ.પી(પ્રવાહી) પર્યાવરણને અનુકૂળ ખેતી માટે ઉપયોગી છે. નિષ્ણાતોના મતે તેના ઉપયોગથી પર્યાવરણ, પાણી અને જમીનનું પ્રદૂષણ નહીં થાય. આનાથી ભૂગર્ભ જળ અને હવાની ગુણવત્તા સુધરે છે. એટલું જ નહીં, તેની કોઈ આડ અસર ન હોવાથી તે જમીનમાં પોષક તત્વોને નષ્ટ થતા બચાવવામાં મદદરૂપ છે.



Google NewsGoogle News