Get The App

31stની રાત્રે રાજ્યના અનેક જિલ્લામાંથી ઝડપાયા નશાખોરો, લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાયો

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
31stની રાત્રે રાજ્યના અનેક જિલ્લામાંથી ઝડપાયા નશાખોરો, લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાયો 1 - image


Gujarat Police Action on 31st Celebration : ગુજરાત પોલીસે 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ, સુરત, વલસાડ સહિત જિલ્લામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં પોલીસે ગુજરાતમાં કુલ 1000થી વધુ દારુડિયા ઝડપી પાડ્યા હતા. જ્યારે અમદાવાદમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાત્રિ દરમિયાન પોલીસે એમવી એક્ટ સહિતના ગુનામાં કુલ રૂ. 5,60,000નો દંડ વસૂલ્યો હતો. 

અમદાવાદમાં દારુ, ડ્રગ્સ, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 440થી વધુ કેસ નોંધાયા

દેશ-વિદેશ સહિત ગુજરાતમાં પણ 31 ડિસેમ્બરે હર્ષોલ્લાસ સાથે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન દારુ, ડ્રાગ્સ સહિતના કેસો સામે આવતા હોય છે, ત્યારે રાજ્યમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની રાત્રે દારૂને લગતા 218, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 223 કેસ કરાયા. ઝોન 5 વિસ્તારમાં સૌથી વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા હતા. આ સાથે સિંધુ ભવન રોડ પરથી 8 ગ્રામ 200 મિલિ ગ્રામ જેટલો 82 હજારની કિંમતનો મેફિડ્રોનનો જથ્થો જપ્ત કરીને ડ્રગ્સ અંગે બોડકદેવમાં ગુનો નોંધાયો. અમદાવાદમાં 14 જેટલા આયોજકોને મંજૂરી અપાઈ હતી. 

31stની રાત્રે રાજ્યના અનેક જિલ્લામાંથી ઝડપાયા નશાખોરો, લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાયો 2 - image

DCP રીમા મુનશીએ શું કહ્યું?

અમદાવાદના ઈન્ચાર્જ DCP રીમા મુનશીએ કહ્યું કે, '31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાત્રે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રે 8 થી સવારે 5 વાગ્યા સુધીમાં વાહન ચેકિંગ દરમિયાન દંડની રકમમાં સેક્ટર 1 વિસ્તારમાં રૂ.87,700 તથા સેક્ટર 2માં 88,700 કુલ 1,76,00ની આસપાસ થાય છે. જેમાં એમવી એક્ટ હેઠળની કાર્યવાહી દરમિયાન 558 કેસ કરવામાં આવ્યા. ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી કરીને 38,4000નો દંડ વસુલવામાં આવ્યો હતો. આમ કુલ રકમ 5,60,000ની આસપાસ થાય છે.'

31stની રાત્રે રાજ્યના અનેક જિલ્લામાંથી ઝડપાયા નશાખોરો, લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાયો 3 - image

આ પણ વાંચો: VIDEO : 31stની ઉજવણી ટાણે સુરત પોલીસનો સપાટો, 400થી વધુ દારૂડિયાને પકડ્યા, રાખવા માટે જગ્યા નાની પડી

બે દિવસમાં 400થી વધુ નશાખોરો ઝડપાયા

થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. જેમાં શહેરમાં દારૂનો નશો કરનારાને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરતની ઝોન-4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 ડિસેમ્બરની સાંજથી 31 ડિસેમ્બર સુધીમાં 400થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા. આ તમામને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બસમાં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લઈ જવાયા હતા. 

31stની રાત્રે રાજ્યના અનેક જિલ્લામાંથી ઝડપાયા નશાખોરો, લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાયો 4 - image

વલસાડમાં 250થી વધુ દારૂડિયા ઝડપાયા

રાજ્યભરમાં પોલીસે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ કર્યુ હતું. જેમાં વલસાડ જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 250થી વધુ દારૂડિયા ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ વાપીમાં 140, પારડીમાં 40, વલસાડ ગ્રામ્યમાં 36, વલસાડ શહેરમાં 30 કેસ નોંધાયા હતા. જ્યારે અરવલ્લી જિલ્લામાં 48 જેટલા દારુડિયા ઝડપી પાડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત, થરાદ હેડક્વાર્ટર રહેશે

ગુજરાતની બોર્ડર પરના જિલ્લામાંથી ઘણી વખત દારૂ સહિતના કેફી પદાર્થોના ગુનાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસે બોર્ડર પરના જિલ્લાઓની ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બરે સધન ચેકિંગ હાથ ધર્યું હતું. 31 ડિસેમ્બરને લઈને બનાસકાંઠા, અમરેલી સહિતના જિલ્લામાં પોલીસ એક્શનમાં આવીને સંવેદનશીલ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં તાપીમાં થર્ટી ફર્સ્ટની રાત્રિમાં 48 દારુડિયાની અટકાયત કરી હતી. જ્યારે વ્યારામાં 25, સોનગઢમાં 18, ઉકાઈ અને કાકરાપારમાં 2-2 સહિત અનેક વિસ્તારોમાંથી દારુડિયાની અટકાયત કરવામાં આવી હતી. 


Google NewsGoogle News