ગુજરાતમાં અંદાજે 10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ધમધમે છે, રોગ નિદાનમાં લોલમલોલ
Duplicate Laboratory in Gujarat : ખ્યાતિ સહિત અન્ય હોસ્પિટલોમાં પીએમજેવાયએ યોજના થકી કમાણી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યાં એ વાત પણ બહાર આવી છેકે, ગુજરાતમાં અંદાજે દસેક હજાર ગેરકાયદેસર લેબોરેટરી ધમધમે છે. વાસ્તવમાં MD પેથોલોજીસ્ટ જ લેબોરેટરી ચલાવી શકે છે છતાય ધો.10-12 પાસસર્ટિફાઈડ મેડિકલ લેબ ટેક્નોલોજીનો અભ્યાસ કરનારા લેબોરેટરી ચલાવી રહ્યાં છે.
મહત્વની વાત એછે કે, લેબોરેટરીના રિપોર્ટ આધારે જ દર્દીના રોગનું સાચુ નિદાન થાય છે. પણ ગુજરાતમાં લેબોરેટરીઓ સામે પણ આંગળી ચીંધાઇ રહી છે કેમ કે,બઘુ રામભરોસે ધમધમી રહ્યુ છે. ખુદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છતાંય ગુજરાતમાં કોઇ અમલ નથી.
MD પેથોલોજિસ્ટ જ માન્ય છતાં ધો.10-12 પાસ ટેકનિશિયન લેબોરેટરી ચલાવે છે
રાજ્યમાં ગેરકાયદેસર પેથોલોજી લેબોરેટરીનો રાફડો ફાટયો છે. ગુજરાતમાં લેબોરેટરી કોણ ચલાવી શકે? કોણ યોગ્યતા પાત્ર છે તે મુદ્દે છેલ્લા 19 વર્ષથી ગુજરાત સ્ટેટ પેથોલોજિસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ એસોસિએશન અને રાજ્ય લેબ ટેકનિશિયનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઇને વર્ષ 2006માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી ત્યારે વર્ષ 2010માં હાઈકોર્ટ એવો ચુકાદો આપ્યો કે, લેબોરેટરીમાં માન્ય ડીગ્રી ધરાવતા ડાક્ટર જ હોવા જોઈએ.
જોકે, આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે વર્ષ 2017મા સુપ્રીમકોર્ટે હાઈર્કોટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે, લેબોરેટરીના તમામ રિપોર્ટમાં હવેથી એમ.ડી. પેથોલોજીસ્ટની સહી ફરજિયાત હોવી જોઈએ. એ સિવાયની ડિગ્રી હોય અને સહી હશે તો એ રિપોર્ટ ગેરકાયદે ગણાશે અને તેની સામે પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: બોગસ ડોક્ટરનો વધુ એક કાંડ આવ્યો સામે, દત્તક આપવાના નામે બાળક વેચવાનું કૌભાંડ
સુપ્રીમના આદેશ પછી ય આજદીન સુધી લેબોરેટરીમાં બઘુ પોલંપોલ ચાલી રહ્યુ છે. શહેરો કરતાંય ગ્રામ્ય વિસ્તારોમાં લેબોરેટરીના સંચાલનને લઇને કોઇ જોનાર જ નથી. લેબોરેટરીમાં એમડી પેથોલોજીસ્ટ નહી, પણ ધો.10-12 પાસ પેથોલોજીસ્ટ બની બેઠા છે. આ મામલે વર્ષ 2017માં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજીસ્ટે રાજ્યના પોલીસના વડાને ગુજરાતની 512 ગેરકાયદેસર લેબોરેટરીના નામ સરનામા સાથેની લેખિત માહિતી આપી હતી પણ આજદીન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ શકી નથી.
એવી પણ જાણકારી મળી છેકે, ગુજરાતમાં લેબોરેટરીમાં પેથોલોજીસ્ટની સહી ફરજિયાત પણ ઘણાં કિસ્સામાં વર્ચ્યુઅલ સહી કરવામાં આવી રહી છે તે ખરેખર માન્ય ગણાય નથી. ગુજરાત એસોસીએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજીસ્ટના પૂર્વ પ્રમુખ ડો. મહેન્દ્ર પટેલનું કહેવુ છેકે, લેબ રિપોર્ટ આધારે જ દર્દીના રોગનું નિદાન થાય છે. હવે જો નિદાન ખોટુ થાય તો દર્દીના જીવ સામે જોખમ ઉભુ થઇ શકે તેમ છે. આ જોતાં એમડી પેથોલોજીસ્ટ હોવો ફરજિયાત છે. આમ, ગુજરાતમાં લેબોરેટરીના સંચાલનને લઇને સવાલો ઉઠયાં છે ત્યારે આરોગ્ય વિભાગ ઘોરનિંદ્રામાં પોઢી રહ્યું છે.
લેબોરેટરીના પાટિયા વેચાય છે
એવી ચોંકાવનારી વિગતો મળી છેકે, ગુજરાતમાં લેબોરેટરીના પાટિયા પણ વેચાય છે જેમકે, લેબોરેટરીના બોર્ડ પર એમડી પેથોલોજીસ્ટનું નામ હોય પણ વાસ્તવમાં ટેસ્ટ કરનાર માત્ર ધો.10-12 પાસ ટેકનિશિયન જ હોય. રિપોર્ટ પર સહી એમ.ડી પેથોલોજીસ્ટની હોય. આવુ પોલપોલ લેબોરેટરીમાં ચાલી રહ્યુ છે. આમ છતાંય આરોગ્ય વિભાગ આંખમિચામણાં કરી રહ્યુ છે.
લેબોરેટરીના મસમોટા કમિશનને લીધે ડોક્ટરોને ઘી કેળા
મોટાભાગની લેબોરેટરી સાથે ડોક્ટરોની સાઠગાંઠ છે. દર્દીને જરુર હોય કે ન હોય. ડોક્ટરો દર્દીઓને મળતિયા પેથોલોજિસ્ટ અથવા ટેકનિશિયનની લેબોરેટરીમાં મસમોટુ કમિશન મેળવવા વિવિધ ટેસ્ટ કરાવવા મોકલે છે. દર્દીએ ટેસ્ટ કરાવ્યા હોય તો પણ ડોક્ટરે રિપોર્ટ માન્ય ગણતાં જ નથી. ઘણા ડોક્ટરોએ પોતાના ક્લિનિક અને હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરી દીધી છે.
રાજ્ય લોકાયુક્તમાં ઘા નાંખવામાં આવી પણ..
ગેરકાયદેસર લેબોરેટરી મુદ્દે રાજ્ય આરોગ્ય વિભાગ અને પોલીસે સતત અવગણના કરતા રાજ્ય લોકાયુક્તમાં પણ ઘા નાંખવામાં આવી હતી. થોડાક વખત અગાઉ રાજય લોકાયુક્તે રાજ્ય આરોગ્ય વિભાગ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો. રજૂ કરવા આદેશ કર્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પેથોલોજીના માલિક કોણ છે.
હાલમાં પેથોલોજી લેબમાં કયા પેથોલોજીસ્ટ છે તેમના નામ, સરનામા, લેબમાં ટેસ્ટ કરનાર્સનું નામ કઈ પદ્ધતિથી ટેસ્ટ કરવામાં આવે છે તેની વિગતો, કયા તબીબી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધીય વિગતો સાથે લેબોરેટરીનુ ચેકિંગ કરવા આદેશ પણ કર્યો હતો પણ આ ધમધમાટ માત્ર દેખાડો પુરવાર થયો હતો. આજે આ બઘુય ભૂલાયુ છે.