Video:અમદાવાદના પોશ વિસ્તારમાં લુખ્ખાઓએ મચાવ્યો આતંક, તલવારો લઈ યુવકો પર કર્યો હુમલો
Mob Attacks Near Palladium Mall : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગઈ કાલે શુક્રવારે કેટલાંક લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક માચાવ્યો હતો. વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.
પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્ત્વોનો તલવાર વડે આતંક
અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે 10થી વધુ અસામાજિક તત્ત્વોએ તલવાર અને લાકડીઓ સહિતના હથિયાર વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો. રાત્રે 1 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લુખ્ખાઓ દ્વારા ખુલ્લેઆમ તલવાર સહિતના હથિયાર લઈને આવીને હુમલો કરાતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી.
હુમલાખોરોએ જાનથી મારી નાખવાની આપી ધમકી
પોલીસ ફરિયાદ મુજબ, તલવાર વડે હુલમો કરનારા શખસો ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો. જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિતના હુમલાખોરોએ પીડિતો પર તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલો કરીને આરોપીઓ ભાગી ગયા હતા.
અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી
સમગ્ર ઘટના અંગે ખુલાસો થયો હતો કે, બંને જૂથો વચ્ચે અગાઉના ઝઘડાને લઈને આરોપીએ હુમલો કર્યો હતો. લગભગ બે અઠવાડિયા પહેલા આરોપી પ્રિન્સે બાંધકામ સામગ્રીના વ્યવસાયના મતભેદના કારણે વિજય ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિજયને જામીન મળ્યા પછી પ્રિન્સ અને તેના મિત્રોએ બદલો લેવાની ધમકી આપી હોવાના અહેવાલ છે.
એ ડિવિઝનના એસીપી જે. ડી. બ્રહ્મભટ્ટે ક્હ્યું હતું કે, 'અમે આ મામલે કેસ નોંધીને કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમ બનાવી છે. હાલમાં બંને આરોપીઓના સેલ ફોન બંધ છે. અમારી ટેકનિકલ ટીમ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે.'