સ્માર્ટ સિટીનું મિસ પ્લાનિંગ , નવ વખત ટેન્ડર કરવા છતાં તળાવ ડેવલપમેન્ટ માટે કોન્ટ્રાકટર ના મળ્યાં
કન્સલટન્ટ બદલાયા,ડિઝાઈન બદલાઈ પછી કોન્ટ્રાકટર કામ કરવા તૈયાર થયાં
અમદાવાદ,સોમવાર,3 માર્ચ,2025
કેન્દ્ર સરકારની અમૃત-૨ યોજના અંતર્ગત નરોડા મુઠીયા ઉપરાંત
હાથીજણ તથા રામોલ વડુ તળાવને ડેવલપ કરવા મ્યુનિ.તંત્રે ટેન્ડર કર્યુ હતુ. નરોડા
મુઠીયા તથા હાથીજણ તળાવને ડેવલપ કરવા નવ વખત તથા રામોલના વડુ તળાવને ડેવલપ કરવા છ
વખત ટેન્ડર કર્યા છતાં કોઈ કોન્ટ્રાકટરે કામ કરવા તૈયારી બતાવી નહતી.કન્સલ્ટન્ટ
બદલાયા ઉપરાંત ડિઝાઈન બદલાઈ એ પછી કોન્ટ્રાકટર કામ કરવા તૈયાર થયા હોવાનું પાણી
સમિતિ ચેરમેન દિલીપ બગરીયાએ કહયુ છે.
સ્ટેટ વોટર એકશન પ્લાન-૧ અંતર્ગત નરોડા વોર્ડમાં આવેલા નરોડા
મુઠીયા તળાવ ઉપરાંત હાથીજણ ગામ ખાતે આવેલા
હાથીજણ તળાવ તેમજ રામોલના વડુ તળાવને ડેવલપ કરવા ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ તરફથી ટેન્ડર
કરવામાં આવ્યા હતા. આ ત્રણ તળાવ ડેવલપ કરવા સોમવારે પાણી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર
કરાઈ હતી.તળાવ ડેવલપ કરવા નવ વખત કે છ વખત ટેન્ડર કેમ કરવા પડયા એ અંગે પાણી સમિતિના
ચેરમેને કહયુ,આ તળાવના
ડેવલપ કરવા અગાઉ કન્સલ્ટન્ટ તરીકે મલ્ટીમેકને નિમણૂંક અપાઈ હતી.પરંતુ તેમણે આપેલી ડિઝાઈન
મુજબ તળાવ ડેવલપ કરવા કોઈ કોન્ટ્રાકટરે તૈયારી બતાવી નહતી.જે પછી મ્યુનિ.તંત્રે આ ત્રણ
તળાવ ડેવલપ કરવા કન્સલ્ટન્ટ તરીકે મલ્ટી મીડીયાની નિમણૂંક કરતા તેમણે આપેલી ડિઝાઈન
પ્રમાણે કામગીરી કરવા કોન્ટ્રાકટરોએ તૈયારી બતાવી હતી.નરોડા મુઠીયા તળાવ ડેવલપ કરવા
બે વખતના નેગોશીએશન પછી કોન્ટ્રાકટર એસ.જી.બાગવનના રુપિયા ૭.૩૭ કરોડના ટેન્ડરને મંજૂરી
અપાઈ છે. આજ કોન્ટ્રાકટરને હાથીજણ ગામ તળાવ ડેવલપ કરવા કામ અપાયુ છે. આ તળાવ અંદાજિત
ભાવથી ૭.૭૬ ટકા એટલે કે રુપિયા ૪.૪૭ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર ડેવલપ કરશે. રામોલના
વડુ તળાવને બે વખતના નેગોશીએશન પછી કોન્ટ્રાકટર અંકિતા કન્સ્ટ્રકશનના અંદાજિત ભાવથી
૭.૭૧ ટકા વધુ ભાવના રુપિયા ૯.૨૪ કરોડના ટેન્ડરને પાણી સમિતિએ મંજૂરી આપી છે.
ટેન્ડર થઈ જાય પછી જ કન્સલ્ટન્ટને ફી ચૂકવાતી હોય છે
શહેરના ત્રણ તળાવ પૈકી બે તળાવ ડેવલપ કરવા નવ વખત અને એક
તળાવ ડેવલપ કરવા છ વખત ટેન્ડર કરાયા. કન્સલ્ટન્ટ બદલવા પડયા.ડિઝાઈન પણ બદલવી પડી.
આ પરિસ્થિતિમાં અગાઉ જે કન્સલ્ટન્ટને મ્યુનિ.તંત્રે નિમણૂંક આપી હતી એને કોઈ ફી
ચૂકવવામાં આવી હતી કે કેમ?
એ બાબત મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.સત્તાવારસૂત્રોમાંથી મળતી વિગત
મુજબ, ટેન્ડર
થઈ જાય પછી જ જે તે કન્સલ્ટન્ટને નકકી કરવામાં આવેલી ફી ચૂકવાતી હોય છે. આ ત્રણ
તળાવ ડેવલપ કરવા અગાઉ કરાયેલા ટેન્ડરના કન્સલ્ટન્ટને ફી ચૂકવાઈ હતી કે કેમ? એ અંગે ચોકકસ
જવાબ તંત્રના અધિકારી કે સત્તાધીશો આપી શકયા નહતા.