Get The App

બંગાળમાં દુષ્કર્મ થાય તો વિરોધ, ગુજરાતમાં થાય તો મૌન, ભાજપનું બેવડું વલણ, તમામ દાવાનો ફિયાસ્કો

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
બંગાળમાં દુષ્કર્મ થાય તો વિરોધ, ગુજરાતમાં થાય તો મૌન, ભાજપનું બેવડું વલણ, તમામ દાવાનો ફિયાસ્કો 1 - image


Misdemeanor Cases Increased In Gujarat: એક તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે, ગુજરાત એવું રાજ્ય છે જ્યાં મહિલાઓ અડધી રાત્રે પણ હરીફરી શકે છે. બીજી તરફ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. તે જોતાં મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરનો અનુભવ કરી રહી છે. કારણ કે, ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી. મહત્ત્વની વાત તો એ છે કે, પશ્ચિમ બંગાળમાં દુષ્કર્મની ઘટના થાય તો ભાજપનું લોહી ઉકળી ઊઠે છે અને ઠેર ઠેર ધરણાં-વિરોધ પ્રદર્શન થાય છે.  પરંતુ સલામત-શાંત ગુજરાતમાં માસુમ બાળકી કે સગીરા પર દુષ્કર્મ થાય તો ગુજરાત ભાજપના નેતાઓના મો સિવાઈ જાય છે.

રાજ્યમાં 15 દિવસમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ બની

છેલ્લાં પંદરેક દિવસમાં જ ગુજરાતમાં દુષ્કર્મની એક નહીં પરંતુ સાતેક ઘટનાઓ બની છે. દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણામાં દુષ્કર્મની ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી. ત્યારે સુરતના માંડવીમાં પણ શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવી છે. વડોદરામાં પણ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જેના આરોપીઓને પોલીસ હજુ પકડી શકી નથી.

આ પણ વાંચો: બકરું કાઢતા ઊંટ પેઠું: ગુજરાત સરકારના ગળે ગાળિયો ભરાયો, હવે 'ફિક્સ પે' પ્રથા નાબૂદીની માગ ઊઠી


પશ્ચિમ બંગાળમાં દુષ્કર્મની ઘટના થાય તો ભાજપ વિરોધ પ્રદર્શન કરે, અમેરિકામાં અનામત મુદ્દે નિવેદન આપે તો રાહુલ ગાંધી સામે ધરણાં કરીને દેખાવો કરવામાં આવે પણ માસુમ બાળકી-સગીરા પર દુષ્કર્મ કરવામાં આવે તો મુખ્યમંત્રીથી માંડીને ભાજપના એકેય મંત્રીએ સંવેદનાનો એક શબ્દ ઉચ્ચાર્યો નથી. આ મામલે ખુદ ગૃહમંત્રીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પણ ખામોશ રહ્યુ છે.

સલામત ગુજરાતમાં મહિલાઓ અસલામત!

જે રીતે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તે જોતાં લાગી રહ્યુ છે કે, ગુજરાતમાં ગુનેગારોને જાણે મોકળુ મેદાન મળ્યુ છે. ખાખી વર્દીનો કોઈને ડર રહ્યો નથી. આ પરિસ્થિતી વચ્ચે ગૃહમંત્રી શેખી મારી રહ્યા છે. ત્યારે સલામત ગુજરાતમાં જ મહિલાઓ અસલામતી અનુભવી રહી છે.

બંગાળમાં દુષ્કર્મ થાય તો વિરોધ, ગુજરાતમાં થાય તો મૌન, ભાજપનું બેવડું વલણ, તમામ દાવાનો ફિયાસ્કો 2 - image



Google NewsGoogle News