નકલી PMO અધિકારીઓની આખી ગેંગ ઝડપાઇ, કાર્યકર્તા-નેતાઓ સાથે કરતાં છેતરપિંડી: છ સાગરીતોની ધરપકડ
Cyber Fraud Mewati Gang : ટેક્નોલોજીના યુગમાં સાયબર ફ્રોડ થવાના અનેક કિસ્સાઓ અવાર-નવાર બનતા હોય છે, ત્યારે સાયબર ક્રાઈમના ગુના અટકાવવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યશીલ રહી છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કુખ્યાત સાયબર ઠગ મેવાતી ગેંગના છ આરોપીને હરિયાણાના પલવલથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીઓ PMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને સાયબર ક્રાઈમને અંજામ આપતા હતા.
PMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી ભાજપના કાર્યકર્તાને ટાર્ગેટ કરતાં
પોલીસ ફરિયાદ પ્રમાણે, મેવાતી ગેંગના માણસો PMOના ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપીને નાણાકીય રોકાણ કરવાના બહાને છેતરપિંડી કરતાં હતા. જેમાં તેઓ ફોન કરીને સામે વાળાને કહે છે કે, 'PM મોદી આપની કામગીરીથી ખુશ છે અને તમને રાજસ્થાનમાં જયપુર-દિલ્હી હાઈવે પર કરોડો રુપિયાનો બંગલો માત્ર 10-12 લાખ સુધીમાં આપવાનો છે. આ સિવાય આપવાની થતી રકમને ભેટ તરીકે ગણી લેવામાં આવશે.' આમ આવા 10 લાખના રોકાણની સામે કરોડો રૂપિયાનો બંગ્લો મળવાની લાલચમાં ભાજપના કેટલાક કાર્યકર્તાએ 10 હજારથી માંડીને 50 હજાર સુધીના નાણા ટ્રાન્સફર કર્યા હોવાના જાણકારી મળી છે.
મેવાતી ગેંગના છ આરોપીને હરિયાણાના પલવલથી ઝડપી પાડ્યાં
આ પ્રકારનો ફોન ફરિયાદીને આવતા ટેક્નિકલ એનાલિસિસના આધારે ફોનની બધી માહિતી મેળવવામાં આવી હતી. જેમાં ફોન હરિયાણાના પલવલમાંથી આવ્યો હોવાનું જાણવા મળતા પોલીસ તપાસ અર્થે પહોંચી હતી. જેમાં પલવલના હથીન જિલ્લામાંથી પકડાયેલા મોહમંદ જહાને તેના ભાગીદારો સાથે મળીને ફોન કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીની વધુ પુછપરછ કરતાં છ આરોપીને પકડી પાડવામાં આવ્યાં છે. આ પછી તમામ આરોપીને પલવલથી અમદાવાદ લાવીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નટરાજ કંપનીની પેન્સિલ પેકિંગ માટે વર્ક ફ્રોમ હોમ નોકરીનું કહીને પૈસા પડાવતા
અગાઉ પણ આ ગેંગ દ્વારા સોશિયલ મીડિયા માધ્યમ ફેસબૂક પર નટરાજ કંપનીની પેન્સિલ પેકિંગ માટે વર્ક ફ્રોમ હોમ માટેની નોકરી જાહેરાત કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. જેમાં તેઓ મહિનાના 15 હજાર આપવાનું જણાવીને પહેલા 630 રૂપિયાનું રજીસ્ટ્રેશન કરવાનું કહી ગુગલ પે અથવા UPI વડે પૈસા પડાવતા હતા. આમ આઠથી દસ વખત આ પ્રકારની છેતરપિંડી કર્યા બાદ તેઓ સીમ કાર્ડ તોડી નાખતા હતા.