રાજ્યમાં આગામી પાંચ દિવસ મેઘરાજા કરશે ભરપૂર બેટિંગ, હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ
Heavy Rain In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આજે કેટલાક દિવસથી ગરમીના માહોલ બાદ અમદાવાદમાં બપોરથી મેઘરાજાએ એન્ટ્રી મારી છે. રાજ્યમાં આગામી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો : PHOTOS: સમગ્ર ગુજરાતમાં વરસાદ, સુરત-વડોદરામાં મેઘતાંડવ, અનેક સ્થળે રેસ્ક્યુ કરાયું તો ક્યાંક પશુઓ તણાયા
આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પંચમહાલ, દાહોદ, વડોદરા નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
25-26 જુલાઈની આગાહી
આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
આ પણ વાંચો : મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ, વીરપુરમાં 2 કલાકમાં 3 અને વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ
28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું પ્રમાણ યથાવત રહેશે.