ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ, હૉસ્પિટલમાં દર્દીઓ 'ગ્રાહક' બન્યા, વીમા કંપનીઓને બખ્ખા
Khyati Hospital Controversy: ગુજરાતમાં હૉસ્પિટલોમાં સરકારી યોજનાનો લાભ લઈ નાણા કમાવવાની લ્હાયમાં દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે. સરકાર-આરોગ્ય વિભાગનો ડર જ રહ્યો નથી.
ફ્રી આરોગ્ય કેમ્પના નામે દર્દીઓ સાથે વિશ્વાસઘાત
એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, ભાજપના રાજમાં ચંદા લો ધંધાનો નીતિને કારણે આરોગ્ય ક્ષેત્રે પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, હૉસ્પિટલમાં હવે દર્દીઓ જાણે કે ગ્રાહક બની રહ્યા છે. ફ્રી આરોગ્ય કેમ્પના નામે દર્દીઓ સાથે વિશ્વાસઘાત કરી સારવારના નામે જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેમ છતાંય રાજ્ય આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે.
દર્દીઓની સારવાર માત્ર કાગળ પર ચાલી રહી છે
રાજ્યમાં પીએમજેએવાય યોજનાના નામે દર્દીઓની સારવાર કાગળ પર ચાલી રહી છે તે કેગના રિપોર્ટમાં પુરવાર થયું છે. આમ છતાંય સરકારી હૉસ્પિટલોની સ્થિતિ સુધારવાને બદલે ખાનગી હૉસ્પિટલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.
ખાનગી વીમા કંપનીઓને લીલાલહેર
બેરોકટોક રીતે મંજૂરી જ નહી, પ્રોત્સાહન આપીને ખાનગી હૉસ્પિટલોને રાજ્ય આરોગ્ય વિભાગ જ દર્દીઓને જાણે લૂંટવાનો પરવાનો આપી દીધો છે. સરકારી વીમા કંપનીને બદલે ખાનગી વીમા કંપનીઓને કામ આપી દેવાયું છે જેથી ખાનગી વીમા કંપનીઓને લીલાલહેર થઈ છે.
આ પ્રકરણમાં ન્યાય મળશે કે પછી તપાસના નામે નાટક
ખ્યાતિ હૉસ્પિટલની ઘટના બાદ વિપક્ષે સરકારને ઘેરી છે. વિધાનસભા વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે કે, અમરેલી, વિરમગામ અંધાપા કાંડના જવાબદારોને ઉની આંચ આવી શકી નથી. આ જોતા ખ્યાતિ હૉસ્પિટલ પ્રકરણમાં પણ દર્દીઓને ન્યાય મળશે કે પછી તપાસના નાટક થશે, તે સવાલ ઉઠ્યો છે.
કૌભાંડના તાર છેક ગાંધીનગર સુધી જોડાયેલા
આરોગ્ય વિભાગને ટેન્ડર, દવા-તબીબી સાધનની ખરીદીમાં જ રસ છે. આરોગ્ય વિભાગને આરોગ્યની સુવિધામાં સુધારો થાય તેમાં રસ જ રહ્યો નથી. એવો પણ આક્ષેપ કરાયો છે કે, ખ્યાતિ હૉસ્પિટલ કૌભાંડના તાર છેક ગાંધીનગર સુધી જોડાયેલા છે. વાસ્તવમાં જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.