Get The App

મંગળ અમંગળ બન્યો, ઘુમા પાસે ચામચીડીયાને બચાવવા જતાં વીજ કરંટ લાગતા ફાયર કર્મચારી બળીને ભડથુ થઈ ગયો

હાઈટેન્શન લાઈન બંધ કર્યા પહેલા કામગીરી કરતા કર્મચારીનું મોત નિપજયુ, મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવા ઈન્કાર કરવામાં આવ્યો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
મંગળ અમંગળ બન્યો, ઘુમા પાસે ચામચીડીયાને બચાવવા જતાં વીજ કરંટ લાગતા ફાયર કર્મચારી બળીને ભડથુ થઈ ગયો 1 - image


અમદાવાદ,મંગળવાર,16 જાન્યુ,2024

અમદાવાદના ઘુમા સ્મશાન પાસે આવેલા દેવ-૯૪ નામના બિલ્ડિંગ પાસે બર્ડ રેસ્કયૂની કામગીરી કરતી વખતે ચામચીડીયાને બચાવવા જતાં બોપલ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા અનિલ પરમાર નામના કર્મચારી બળીને ભડથુ થઈ ગયા હતા.આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનને નોકરી આપવા સહિતની માંગ ના સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનોએ નિર્ણય કર્યો હતો.ઘટના સ્થળે જી.ઈ.બી.ની પસાર થતી હાઈટેન્શન લાઈન બંધ કરાય એ પહેલા જીવતા વીજ વાયર આસપાસના દોરા દુર કરવા જતા ફાયર કર્મચારીને જીવ ગુમાવવો પડયો હતો.મૃતકના પરિવારમાં તેમના પત્ની ઉપરાંત અઢી તથા દોઢ વર્ષના બે બાળક છે.

મંગળવારે સવારે ૮.૩૦ કલાકના સુમારે બોપલ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા ફાયર કર્મચારી અનિલ પરમાર અને અન્ય ચાર કર્મચારી ઘુમા સ્મશાન પાસે આવેલા દેવ-૯૪ નામના બિલ્ડિંગ પાસે વૃક્ષ ઉપર ફસાઈ ગયેલા ચામચીડીયાના રેસ્કયૂની કામગીરી માટે પહોંચ્યા હતા.ઘટના સ્થળે પહોંચ્યા બાદ જી.ઈ.બી.ની હાઈટેન્શન લાઈન પસાર થતી હોવા અંગે જાણ થતાં જી.ઈ.બી.ને જાણ કરવામાં આવી હતી.જી.ઈ.બી.તરફથી ઘટના સ્થળે પહોંચતા વીસ મિનીટનો સમય લાગશે એ પ્રકારની જાણ કરાઈ હતી.દરમિયાન ફાયર કર્મચારી અનિલ પરમારે  રેસ્કયૂ કામગીરી માટે લોખંડની વાંસી લઈ ઉપર પહોંચ્યા હતા.એ ક્ષણે હાઈટેન્શન લાઈનના વીજ વાયરમાંથી પસાર થતા વીજ પ્રવાહ અને લોહી ચુંબકની અસરથી વીજ કરંટ સીધો લોખંડની વાંસીમાં પ્રવેશતા ગણતરીની પળમાં જ તે લોખંડની વાંસી સાથે ધડાકાભેર જમીન ઉપર પટકાયા હતા.જયાં એમનુ શરીર આગથી ભડભડ સળગી ઉઠતા ઘટના સ્થળે હાજર ફાયર કર્મચારીઓએ રેતી નાંખી કર્મચારીને બચાવવા  માટેના પ્રયાસ કર્યા હતા.ઘટનાની જાણ થતાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા, ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી ઉપરાંત બોપલ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નૈતિક ભટ્ટ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં ફાયર કર્મચારીનું મોત થઈ ગયુ હતુ. વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે મૃતકના પરિવારજનોને રુપિયા એક કરોડની તાકીદે સહાય ચૂકવવા ઉપરાંત ફાયર વિભાગના કર્મચારીઓ માટે અકસ્માત વીમો લેવા વિપક્ષ તરફથી માંગ કરી છે.

રેસ્કયૂ કામગીરી સમયે ઉતાવળ કરાતા મોત વહોર્યુ

ફાયર કર્મચારીના મોત બાદ રેસ્કયૂ કામગીરી સમયે મૃતક ઉપરાંત અન્ય ચાર કર્મચારીઓ સ્થળ ઉપર હાજર હતા.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,રેસ્કયૂ કામગીરી સમયે જે સ્થળે વીજલાઈન જીવંત હોય ત્યાં વીજ પ્રવાહ બંધ ના કરાય ત્યાં સુધી રેસ્કયૂ કામગીરી કરવાની હોતી નથી.આમ છતાં કયા કારણથી મૃતક  લોખંડની વાંસી લઈ પહોંચ્યા હતા એ રહસ્ય અકબંધ રહયુ છે.ઘટના સમયે સાથે રહેલા અન્ય ફાયર કર્મચારીઓના નામ આપવા મામલે પણ ફાયર વિભાગના કર્મચારીઓએ મૌન ધારણ કરી લીધુ હતુ.એક બાબત એવી પણ ચર્ચાઈ રહી છે કે,કોલમાં સાથે રહેલા ફાયર વિભાગના અન્ય કર્મચારીઓએ મૃતકને લોખંડની વાંસી લઈ જવાની ના પાડી હતી.

ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરિવારજનોને સમજાવવા પહોંચ્યા

ઘુમા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા બાદ સવારથી લઈ સાંજ સુધી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ફાયર વિભાગ) ઉપરાંત ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તથા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન મૃતકના પરિવારજનોને સમજાવવા પહોંચ્યા હતા.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ,મૃતકના પરિવારજનો સાથે પુરી હમદર્દી છે.તેમની માંગ હતી કે,પરિવારજનને નોકરી આપવામા આવે અને આર્થિક સહાય આપવામા આવે આ બંને બાબત સમય અનુકુળતા મુજબ સ્વીકાર કરવામાં આવશે.

બર્ડ રેસ્કયૂ કામગીરી માટે હાઈડ્રોલિક સિડી આપવા માંગ

મ્યુનિ.નોકરમંડળના પ્રમુખ દેવકરણ સાબરીયાએ મંગળવારે બનેલી ઘટનાને પગલે જીવના જોખમે બર્ડ રેસ્કયૂની કામગીરી કરતા ફાયર વિભાગના જવાનોને મ્યુનિ.ના લાઈટ વિભાગ પાસે છે એવી હાઈડ્રોલિક સિડી આપવા માંગ કરી છે.ઉપરાંત મૃતકના પરિવારજનને વારસદાર તરીકે નોકરી આપવા ઉપરાંત દિલ્હીમાં અકસ્માતે મોત થાય એવા કિસ્સામાં ફાયર કર્મચારીને રુપિયા એક કરોડની આર્થિક સહાય ચૂકવવામા આવે છે એ પ્રકારની આર્થિક સહાય ચૂકવવા માંગણી કરી છે.

અમદાવાદ ફાયર વિભાગની સેવાઓ ઠપ કરવા દબાણ શરુ કરાયુ

        ઘુમા ખાતે બર્ડ રેસ્કયૂની કામગીરી કરતી વખતે વીજ કરંટ લાગવાથી ફાયર કર્મચારીનુ મોત થયુ હતુ.આ ઘટના બાદ ફાયર વિભાગની એમ્બ્યુલન્સ, શબવાહિની સહિતની તમામ સેવાઓ ઠપ કરવા ફાયર વિભાગના કંટ્રોલરુમ ઉપર ફોનનો મારો ચલાવવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના કર્મચારીના મોતની ઘટના બાદ ઉભી થયેલી પરિસ્થિતિ સંદર્ભમાં મૃતકના પરિવારજનને વારસાઈ નોકરી આપવા સહિતની માંગણી ના સ્વીકારાતા અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલરુમ ખાતે ફાયર વિભાગની આવશ્યક સેવાઓ ઠપ કરવા દબાણ શરુ કરવામાં આવ્યુ હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જમાલપુર ફાયર સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનો માટેની વિવિધ માંગણીઓ સંતોષવાના મામલે ધરણાં પ્રદર્શન કરવામા આવ્યુ હોવાનુ જાણવા મળે છે.



Google NewsGoogle News