અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ તંત્રની બેદરકારીથી દર્દીનું મોત થયુ હોવાનો ગંભીર આક્ષેપ
સી.ટી.સ્કેન મશીન બંધ હોવાથી તબીબોએ સારવાર કરવા ઈન્કાર કર્યો હતો
અમદાવાદ,મંગળવાર,26 નવેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ
તંત્રની બેદરકારીથી લીંબડી ખાતે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પૈકી એક વ્યકિતનુ મોત
થયુ હોવાનો અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.હોસ્પિટલમાં
સી.ટી.સ્કેન મશીન બંધ હોવાથી તબીબોએ સારવાર કરવા ઈન્કાર કરતા દાખલ કરવામા આવેલા
પૈકી એકનુ સમયસર સારવાર નહીં મળવાથી મોત થયુ હોવાથી જવાબદારો સામે કાર્યવાહી કરવા
રજૂઆત કરવામાં આવી છે.
અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટર જગદીશ રાઠોડે મ્યુનિસિપલ
કમિશનરને કરેલી લેખિત રજૂઆત મુજબ,
એસ.વી.પી.હોસ્પિટલમાં ૨૩થી ૨૫ નવેમ્બર દરમિયાન સી.ટી.સ્કેન મશીન બંધ હાલતમાં
હતુ.શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા પરિવારને લીંબડી ખાતે ગમ્ખવાર અકસ્માત થતા
પરિવારના સાત સભ્યો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દાખલ
કરવામાં આવ્યા હતા.પરંતુ ન્યુરો અને ઓર્થો સર્જન તબીબોએ સી.ટી.સ્કેન મશીન બંધ
હોવાથી અમે દર્દીઓની સારવાર કરીશુ નહીં એમ કહયુ હતુ.દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ
રહેલા પૈકી અતુલભાઈ ચૌહાણનુ મોત થયુ છે.કોર્પોરેટરના કહેવા મુજબ,રુપિયા ૮૦૦
કરોડથી વધુના ખર્ચથી શરુ કરવામાં આવેલી હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે આવતા
પેશન્ટોને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે વધારાનુ એક સી.ટી.સ્કેન મશીન તંત્ર
તરફથી વસાવવામાં ના આવે એ આઘાતજનક બાબત છે.એસ.વી.પી.હોસ્પિટલમાં સી.ટી.સ્કેન મશીન
બંધ હોવાથી અનેક દર્દીઓ સારવારથી વંચિત રહયા હતા.