શિવરંજની વિસ્તારમાં આવેલા મારુતી ટાવરના પેન્ટ હાઉસના એ.સી.માં આગ, ૨૪ લોકોનો બચાવ

રહેણાંક બિલ્ડિંગમાં પેન્ટ હાઉસમાં પી.જી. ચલાવાતી હોવાનું ખુલ્યુ,૨૨ છોકરીઓ, બે કર્મચારી રહેતા હતા

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
શિવરંજની વિસ્તારમાં આવેલા મારુતી ટાવરના પેન્ટ હાઉસના એ.સી.માં આગ, ૨૪ લોકોનો બચાવ 1 - image


અમદાવાદ,બુધવાર,17 એપ્રિલ,2024

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા મારુતી ટાવરના નવમાં માળે આવેલા પેન્ટ હાઉસના એ.સી.માં શોટ સરકીટ થવાથી આગ લાગી હતી.આગ લાગી એ સમયે ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવેલી ૨૨ છોકરી તથા બે કર્મચારીને ચૂપચાપ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.ફાયર વિભાગના કહેવા મુજબ,આગના કારણે પલંગ, ગોદડા, ફર્નિચર વાયરીંગ બળીને ખાખ થઈ ગયા હતા.રહેણાંક બિલ્ડિંગમાં પી.જી.ચલાવવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી તે બાબત સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

ફાયર કંટ્રોલને શિવરંજની વિસ્તારમાં આવેલા નવ માળના મારુતી ટાવરના ટેરેસ ઉપર આગ લાગી હોવાનો કોલ બુધવારે સવારે ૧૧.૨૦ કલાકે મળ્યો હતો. કોલ મળતા જ પ્રહલાદનગર અને નવરંગપુરા ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર અને વોટર ટેન્કર સાથે ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી, ડીવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખ,સ્ટેશન ઓફિસર પંકજ રાવલ ફાયર જવાનો સાથે આગ બુઝાવવા ઘટના સ્થળે દોડી ગયા હતા.ડીવીઝનલ ફાયર ઓફિસરે કહયુ, આ બિલ્ડિંગમાં આઠમો અને નવમો માળ ભેગો કરી પેન્ટ હાઉસ બનાવવામા આવ્યુ હતુ.પેન્ટ હાઉસના એ.સી.માં શોટ સરકીટ થવાથી આગ લાગી હતી.પેન્ટ હાઉસમાં પી.જી.ચાલતુ હતુ કે કેમ એ પ્રશ્નના જવાબમાં કહયુ, એ ખબર નથી પણ દસથી બાર છોકરીઓ બેઠી હતી.બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ વર્કીંગ કન્ડીશનમાં હતી કે કેમ તેના જવાબમા કહયુ, ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા સ્થાનિક રહીશોએ એકસ્ટિંગવિશર વગેરેની મદદથી એ.સી.માં લાગેલી આગ બુઝાવી દીધી હતી.ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસરે પણ બિલ્ડિંગમાં પી.જી.ચાલતુ હતુ કે કેમ એ અંગે ડીવીઝનલ ફાયર ઓફિસરને પુછો કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા.મારુતિ ટાવર એ ચિરીપાલ હાઉસ અને અર્જુન ટાવરની બાજુમા આવેલુ છે.શહેરના નવરંગપુરા સહિતના પશ્ચિમના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વગર પરવાનગીએ પી.જી.ચલાવવામા આવતી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

TRP  મોલમાં ચાલતી પી.જી.મ્યુનિ.તંત્રે સીલ કરી છે

બોપલ વિસ્તારમાં આવેલા સૌથી મોટા ટી.આર.પી.મોલમાં છઠ્ઠા માળે ગર્લ્સ પી.જી.ચલાવાતી હતી.ટી.આર.પી.મોલમાં બનેલી આગની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વપરાશ પરવાનગી કરતા વિપરીત ઉપયોગ જણાતા ૨૬ માર્ચ-૨૪ના રોજ ચેઈન્જ ઓફ યુઝની નોટિસ આપી ૨૮ માર્ચના રોજ ટી.આર.પી.મોલની ગર્લ્સ પી.જી.સીલ કરી હતી.

અર્જુન ટાવરના પાણી,ગટરના જોડાણ કાપવા નોટિસ અપાઈ છે

શિવરંજની વિસ્તારમાં આવેલા અર્જુન ટાવરમાં મોટી સંખ્યામાં ઓફિસ તથા દુકાનો આવેલી છે.આ બિલ્ડિંગનુ ફાયર વિભાગ દ્વારા ૧૨ ફેબુ્રઆરી-૨૪ના દિવસે સ્થળ ઉપર ઈન્સપેકશન કરવામા આવ્યુ હતુ.આ સમયે ફાયર સિસ્ટમ બંધ હોવાનુ માલૂમ પડયુ હતુ.ફાયર વિભાગ તરફથી બાદમાં બે વખત લેખિત જાણ કરાયા બાદ પણ ફાયર એન.ઓ.સી.મામલે કોઈ કાર્યવાહી કરવામા નહી આવતા અર્જુન ટાવરના પાણી અને નળના જોડાણ કાપવાની નોટિસ આપવામા આવી છે.ફાયર વિભાગ તરફથી આ ટાવરના પાણી અને ગટરના જોડાણ કાપવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કાર્યવાહી કરવા ફાઈલ મંજૂરી માટે મુકી હોવાનુ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ છે.


Google NewsGoogle News