રાણીપ વોર્ડમાં આવેલાં કાળી ગરનાળાથી જવાહરચોક સાત ગરનાળા સુધી ખુલ્લા નાળા બંધ કરાશે
૪૮ કરોડના ખર્ચે આર.સી.સી.બોક્ષ ડ્રેઈન અને પુશીંગથી નાળાને કવર કરાશે
અમદાવાદ,સોમવાર,3 માર્ચ,2025
રાણીપ વોર્ડમાં આવેલાં કાળી ગરનાળાથી જવાહર ચોકથી સાત
ગરનાળા સુધીના હયાત ખુલ્લા નાળાના ભાગને આર.સી.સી.બોક્ષ ડ્રેઈન અને પુશીંગથી કવર
કરીને બંધ કરાશે. અંદાજે ૩.૮ કિલોમીટરના
ખુલ્લા ગરનાળાને બંધ કરવાની કામગીરી
સુધાકર ઈન્ફ્રાટેક પ્રા.લી.ને આપવામાં આવી છે. રુપિયા ૪૮.૯૩ કરોડનો ખર્ચ કરાશે. આ
કામગીરી પુરી થવાથી રાણીપ ઉપરાંત સાબરમતી,
વાડજ તથા સ્ટેડિયમ વોર્ડમાં નાળાની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ગંદકી
અને મચ્છરના ત્રાસમાંથી મુકિત મળશે.સાબરમતી,રાણીપ
વિસ્તારમાં ગટરનુ ગંદુ પાણી આવતુ હોવાની ફરિયાદનો
અંત આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિની બેઠકમાં આઈ.ઓ.સી.થી
કાળી ગરનાળા અને જવાહર ચોકથી સાત ગરનાળા સુધી પસાર થતા હયાત ગરનાળાને રિમોલ્ડીંગ
કરવા દરખાસ્ત મંજૂર કરાઈ હતી.કમિટી ચેરમેન દિલીપ બગરીયાએ કહયુ, શહેરમાં ખુલ્લા
ગરનાળાને આર.સી.સી.બોક્ષ ડ્રેઈન અને પુશીંગથી બંધ કરાય છે. ચંદ્રભાગા ગરનાળાની
પહેલા ફેઝની કામગીરી પુરી કરાઈ છે.બીજા ફેઝની કામગીરી પુરી થવા તરફ છે.ત્રીજા
ફેઝની કામગીરી માટે આ દરખાસ્ત મંજૂર કરાઈ છે.આઈ.ઓ.સી.થી કાળી ગરનાળા અને જવાહર ચોક
સાત ગરનાળા સુધી વર્ષોથી આસપાસના
વિસ્તારોનું વરસાદી પાણી તથા સાબરમતી ,રાણીપ
તથા આસપાસના વિસ્તારમાંથી ગટરનુ પાણી આવતુ હોવાની ફરિયાદો પછી હયાત નાળાને કવર
કરવા નિર્ણય કરાયો છે.ડી કેબિન ફાટકથી કાળી ગામ નાળાની બાજુમાંથી પસાર થતો રોડ
સાંકડો હોવાથી અવરજવર કરવામા પણ લોકોને
મુશ્કેલી પડતી હોવાની રજૂઆત સ્થાનિકો તરફથી મળી હતી.
કાળીગામ તળાવમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નંખાશે
કાળીગામ વિસ્તારમાં આવેલા કાળીગામ તળાવના કમાન્ડ એરીયાના
વરસાદી પાણીને કાળીગામ તળાવમાં ભરવા રુપિયા ૨.૪ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ
લાઈન નાંખવા કોન્ટ્રાકટર શિવમ બિલ્ડર્સને કામગીરી અપાઈ છે.કાળીગામ જાંબુ ચોકથી ૯૦૦
મી.મી.વ્યાસની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નંખાશે.જેનાથી કાળીગામ વિસ્તારનુ પાણી
તળાવમાં લવાશે.ખોડીયાર માતા મંદિરથી કાળીગામ તળાવ સુધી ૧૨૦૦ મી.મી.વ્યાસની સ્ટ્રોમ
વોટર ડ્રેનેજ લાઈન નંખાશે.સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ
શકશે.