શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલી ઓઈલ-જવેલરીની મળી પાંચ દુકાનમાં આગથી વ્યાપક નુકસાન

જે સમયે આગ લાગી હતી તે સમયથી વીસ મિનીટ સુધી ફાયર કંટ્રોલના તમામ ફોન બંધ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News

      શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલી ઓઈલ-જવેલરીની મળી પાંચ દુકાનમાં આગથી વ્યાપક નુકસાન 1 - image 

 અમદાવાદ,ગુરુવાર,18 જાન્યુ,2024

અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલી બે ઓઈલ અને ત્રણ જવેલરીની મળી કુલ પાંચ દુકાનમાં  ગુરુવારે બપોરે ૩.૪૫ કલાકના અરસામાં આગ લાગી હતી.આગ લાગવા પાછળનુ પ્રાથમિક કારણ ફાયર વિભાગ તરફથી અપાયુ નથી.ઘટનાને પગલે આ દુકાનોમાં વ્યાપક નુકસાન થવા પામ્યુ છે.જે સમયે આગ લાગી હતી તે સમયથી વીસ મિનીટ સુધી પાલડી ખાતે આવેલા ફાયર કંટ્રોલરુમના તમામ ફોન વીજ પ્રવાહ ખોરવાવાના કારણે બંધ હતા.

પ્રેમદરવાજા બહાર આવેલી ચોકસી જવેલર્સ ઉપરાંત અંબિકા જવેલર્સ, એક લુહારીકામની દુકાન ઉપરાંત બે ઓઈલની દુકાનમાં ગુરુવારે બપોરે ૩.૪૫ કલાકે અગમ્ય કારણથી અચાનક આગ લાગી હતી.આ સમયે ત્યાંથી પસાર થતા ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે ફાયર કંટ્રોલમાં ફોન કરવા પ્રયાસ કરતા એકપણ ફોન લાગી શકયા નહોતા.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે કહયુ,હુ ગાંધીનગર છુ.કોઈ વ્યવસ્થા કરાઉ છુ.બાદમાં બે મિની ફાયર ફાઈટર, ચાર ગજરાજ સહિતના ફાયરના વાહનોની મદદથી આગને કાબૂમાં લેવાઈ હતી.ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.ફાયર કંટ્રોલરુમમાં ગુરુવારે વીસ મિનીટ સુધી ૧૦૧ સહિતના તમામ ફોન બંધ હોવા છતાં કોઈ વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી.આ સપ્તાહમાં ફાયર કંટ્રોલરુમના તમામ ફોન બીજી વખત બંધ રહયા હતા.


Google NewsGoogle News