હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: દક્ષિણ ગુજરાત સહિત આ વિસ્તારોમાં રમઝટ બોલાવશે મેઘરાજા, ઍલર્ટ જાહેર
Latest Forecast For South Gujarat : હવામાન વિભાગે ગુજરાતમાં થંડર સ્ટોર્મ વોર્નિંગ સાથે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ઓફશોર ટ્રફ અને સાઇક્લોન સર્ક્યુલેશનના લીધે ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગુજરાતના સમુદ્રી વિસ્તારોમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન કર્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી અને બનાસકાંઠામાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે.
સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તો ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ભરૂચ, છોટા ઉદેપુર, દીવ, ગીર સોમનાથ, દાહોદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ વાપીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં વાપી જળબંબાકાર બની ગયું છે. ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ
દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઇંચ, પારડ 4.6 ઇંચ, ધરમપુર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (ત્રીજી ઑગસ્ટ) જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
આવતીકાલ માટે (ચોથી ઑગસ્ટ) હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોથી ઑગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
પાંચમી અને છઠ્ઠી ઑગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઑગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.