સોમવારે મોડી રાતના સમયે ગોતાના એસ્ટેટની આગમાં પાંચ ગોડાઉન,દસ વાહન બળીને ખાક
મ્યુનિ.ની કોઈપણ મંજૂરી વિના ધમધમતા હોવાછતાં એસ્ટેટ વિભાગે તપાસ કરી નથી
અમદાવાદ,મંગળવાર,2 એપ્રિલ,2024
સોમવારે મોડી રાતે ગોતા વિસ્તારમાં આવેલા ચેહર એસ્ટેટના પાંચ
ગોડાઉન અને દસ વાહન ભંગારના ગોડાઉનમાં લાગેલી આગમાં બળીને ખાક થઈ ગયા હતા.મ્યુનિ.ની
કોઈપણ મંજૂરી વિના ગોડાઉન ધમધમતા હોવાછતાં એસ્ટેટ વિભાગે કોઈ તપાસ કરી નથી.હવે સફાળુ
જાગેલુ એસ્ટેટ વિભાગ સ્થળ તપાસ કરશે.
સોમવારે રાતે ૧.૨૦ કલાકે ગોતામાં આવેલા ચેહર એસ્ટેટના ભંગારના
ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો.દરમિયાન ઈન્ચાર્જ ચીફ ફાયર
ઓફિસર સહિત વિવિધ સ્ટેશન ઓફિસર સહિતના ફાયર જવાનો સાથેનો સ્ટાફ આગ બુઝાવવા ઘટના સ્થળે
દોડી ગયો હતો.એસ્ટેટમાં આવેલા ગોડાઉનોમાં રાખવામાં આવેલા પ્લાસ્ટીક સહિતના અન્ય ભંગારમાં
ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી.ફાયર વિભાગે ૨૬ વાહનની મદદથી મંગળવારે સવારે ૯.૪૫ કલાકે કુલિંગની કામગીરી પુરી કરી હતી.ફાયર
વિભાગને આગ લાગવાનુ કારણ જાણવા મળ્યુ નથી.ચેહર એસ્ટેટમાં આવેલા ગોડાઉન પૈકી પાંચ ગોડાઉન
ઉપરાંત ટુ વ્હીલર સહિતના દસ વાહન આગમાં ખાક થઈ ગયા હતા.એસ્ટેટ વિભાગના કહેવા મુજબ,ગોતા વિસ્તારમાં આવેલા
આ એસ્ટેટમાં કોઈ પાકુ બાંધકામ કરવામાં આવ્યુ નથી.કાચા પતરાં પ્રકારના શેડ પ્રકારના
જે પણ બાંધકામ હોય તેની મંજૂરી લેવાની હોય છે જે લેવામાં આવી નથી.આ એસ્ટેટમાં ૩૦થી
વધુ ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હોવા છતાં ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ તરફથી આજદીન
સુધી તપાસ કરવામાં આવી નથી.તંત્ર તરફથી બચાવ કરતા કહેવાયુ છે કે,ખાનગી જગ્યામાં બનાવવામાં
આવેલા એસ્ટેટ વીસ થી પચ્ચીસ વર્ષ જુનુ છે.