Get The App

મ્યુનિ.ની વર્તમાન ટર્મનું છેલ્લુ વર્ષ , વીસ જાન્યુઆરીથી મ્યુનિ.ના તમામ અંદાજપત્ર રજૂ કરાશે

શહેરીજનો ઉપર કરવેરાનો બોજ લાદવાથી મ્યુ.કમિશનર,શાસકપક્ષ દુર રહેશે

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News

  મ્યુનિ.ની વર્તમાન ટર્મનું છેલ્લુ વર્ષ , વીસ જાન્યુઆરીથી મ્યુનિ.ના તમામ અંદાજપત્ર રજૂ કરાશે 1 - image   

  અમદાવાદ,શનિવાર,11 જાન્યુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મનું આ છેલ્લુ વર્ષ છે. વીસ જાન્યુઆરીથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન સંસ્થાઓ સહીત મુખ્ય અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. વીસ ફેબુ્આરી પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ અંદાજપત્ર બેઠકમાં તમામ વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરી દેવાશે. વર્ષ-૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં આગામી વર્ષના આરંભમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હોવાથી શહેરીજનો ઉપર કરવેરાનો બોજ લાદવાથી મ્યુનિસિપલ કમિશનર અને શાસકપક્ષ દુર રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ-૨૦૨૪-૨૫ના વર્ષનું રુપિયા ૫૫૦૧ કરોડના વિકાસકામો સાથે કુલ રુપિયા ૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ગત વર્ષે ૩૧ જાન્યુઆરી-૨૪ના રોજ રજૂ કર્યુ હતુ.મ્યુનિસિપલ કમિશનરના ગત વર્ષના ડ્રાફટ અંદાજપત્રમાં સૌ પ્રથમ વખત એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ શહેરીજનો ઉપર નાંખવામાં આવ્યો હતો. વર્ષ-૨૦૨૪-૨૫ માટે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું ડ્રાફટ બજેટ શાસનાધિકારી વીસ જાન્યુઆરીએ રજૂ કરે એવી સંભાવના હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સ્કૂલબોર્ડનું ડ્રાફટ બજેટ રજૂ થયા પછી એ.એમ.ટી.એસ,વી.એસ.હોસ્પિટલ ઉપરાંત મા.જે.પુસ્તકાલયના અંદાજપત્ર રજૂ કરવામા આવશે.જાન્યુઆરી મહીનાના અંતિમ સપ્તાહમાં મ્યુનિસિપલ કમિશનર વર્ષ-૨૦૨૫-૨૬ માટેનુ ડ્રાફટ બજેટ રજૂ કરે એવી પ્રબળ સંભાવના છે.કમિશનર ડ્રાફટ બજેટ રજૂ કરશે એ પછી શાસકપક્ષ તેમાં સુધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠકમાં બજેટ રજૂ કરશે.વિપક્ષને સુધારા રજૂ કરવા સાત દિવસનો સમય અપાશે. ફેબુ્રઆરી મહિનાના બીજા સપ્તાહમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ બોર્ડ બેઠક બોલાવી તમામ બેઠક પહેલા રજૂ કરી બે દિવસની ચર્ચા કરવામા આવ્યા પછી મંજૂર કરવામાં આવશે.

જંત્રી મુજબનો અમલ કરવો કે કેમ તે તંત્ર અને શાસકપક્ષ માટે કોયડો બનશે

રાજય સરકાર દ્વારા એપ્રિલ મહીનાથી જંત્રીના નવા દર અમલમાં મુકવા વિચારણા કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જંત્રી મુજબના દરનો અમલ કરવો કે કેમ તે બાબત વહીવટી તંત્ર અને શાસકપક્ષ બંને માટે કોયડો બની રહેશે. આ અગાઉ રુપાણી સરકાર સમયે જંત્રીના દરમાં સુધારો કરવામા આવ્યો હતો એ સમયે પણ મ્યુનિ.શાસકપક્ષ તરફથી જંત્રીના દર મુજબ અમલ કરવાનુ બે વર્ષ સુધી ટાળવામાં આવ્યુ હતુ. મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-૨૦૨૬માં યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉનુ આ અંતિમ અંદાજપત્ર હોવાથી જંત્રી મુજબના દરોનો અમલ કરાવવો તંત્ર અને શાસકપક્ષ બંને માટે અઘરુ થઈ પડશે.


Google NewsGoogle News