અમદાવાદમાં ભૂમાફિયા બેફામ, મૃતક મહિલાના નામે બનાવટી દસ્તાવેજો દ્વારા કરોડોની જમીન ચાંઉ કરી
Image : Repreastative |
Gujarat Land Scam: અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં બનાવટી દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયાની જમીન હડપ કરનાર કુખ્યાત ભૂમાફિયા રમણ પટેલ અને તેના સાગરિતો સામે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વર્ષ 1980મા જે મહિલાનું મરણ થયુ હતું. તેનું મરણ 1992માં થયાના બનાવટી દસ્તાવેજો બનાવીને મકરબામાં આવેલી કરોડો રૂપિયાની જમીન હડપ કરી હતી. જે સંદર્ભમાં પોલીસે રમણ પટેલ સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધીને વઘુ કાર્યવાહી હાથ ધરી છે. પોપ્યુલર જ્વેલર્સના નામે ધંધો કરતા રમણ પટેલ સામે અગાઉ પણ બનાવટી દસ્તાવેજો બનાવી કે સરકારી જમીન હડપ કરવાની ડઝન જેટલી ફરિયાદો થઇ હતી.
કરોડો રૂપિયાની જમીન હડપ કરી
ખેડા જિલ્લાના નાની કલોલી ગામમાં રહેતા કનુભાઇ ઠાકોરે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના નાની ગજરીબેન ઠાકોરને જીવતબેન અને બબુબેન નામની બે પુત્રી હતી. તેમને સંતાનમાં પુત્ર ન હોવાથી બંને તેમની મકરબામાં આવેલી જમીનના સીધી લીટીના વારસદાર હતા. કનુભાઇના માતા જીવતબેનનું અવસાન વર્ષ 2017માં થયું હતું અને બબુબેનનું અવસાન વર્ષ 2006માં થયું હતું. જ્યારે ગજરીબેન ઠાકોરનું અવસાન 1980ની સાલમાં થયું હતું. જીવતબેન અને બબુબેનના સંતાનો આ જમીનના વારસદાર હતા. પરંતુ, જે તે સમયે આ જમીનની દેખરેખ કરવા માટે કોઇ વ્યક્તિ ન હોવાથી જમીન પચાવી પાડવાના બદઇરાદે રમણ પટેલે મણીલાલ શાહ (રહે.પાલડી), ગૌતમ ત્રિકમલાલ, રામુ ભરવાડ, હિતેશ રમણલાલ પટેલ, બેચરજી ઠાકોર અને ચંદુલાલ ઠાકોર સાથે મળીને કાવતરૂ ઘડ્યું હતું.
સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી
મણીલાલ શાહે 1986માં મકરબાની જમીન ગજરીબેનની માતા પાસેથી ખરીદી કર્યાના વેચાણ દસ્તાવેજ બનાવ્યા હતા. ત્યારબાદ ગજરીબેન અને કરસનબેનના પાવર ઓફસ એટર્ની તરીકે રામુ ભરવાડને દર્શાવીને જમીનના વેચાણનો 1986નો દસ્તાવેજ રદ કરીને ગજરીબેનના અંગુઠાના ખોટા નિશાન દર્શાવીને જમીન વેચાણનો બીજો દસ્તાવેજ બનાવ્યો હતો. જેમાં અન્ય આરોપીઓને સાક્ષી તરીકે નોંઘ્યા હતા. એટલું જ ગજરીબેનનું અવસાન 1992માં થયુ છે. તેવી બોગસ મરણનોંધ પણ કરાવી હતી. આમ, રમણ પટેલ એન્ડ કંપની વિરૂદ્ધ મકરબાની કરોડોની જમીન પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધીને સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.