ગુજરાતમાં TET-TAT પાસ લાખો ઉમેદવારો બેકાર, શિક્ષકોની અછત છતાં નોકરી કેમ નથી આપતી સરકાર?
માધ્યમિકમાં 5985 જગ્યા સામે માત્ર 4138 જ્ઞાન સહાયકો નિયુક્ત
છેલ્લા બે વર્ષમાં રાજ્યની સ્કૂલોમાં ટેટ-1 પાસ 2300 અને ટેટ-2 પાસ 3378 ઉમેદવારોની જ ભરતી થઇ
Education News : ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારતી નથી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો છે.
ગત વર્ષે એકપણ ભરતી થઈ નથી
રાજ્ય વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.
શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકની નિમણૂક આપી
આ ઉમેદવારોની ભરતી ક્યાં સુધીમાં કરવામાં આવશે તેવા પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કોઇ વચન કે હૈયાધારણા આપી નથી. મંત્રીએ જણાવ્યું છે કે જરૂરિયાત પ્રમાણે ભરતી કરવામાં આવશે. બીજી તરફ રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5985 જગ્યાઓ ભરવા માટે 4138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.