મ્યુનિ.વિભાગો વચ્ચે સંકલનનો અભાવ , AMC ના મોટાભાગના બગીચામાંCCTV બંધ હાલતમાં
ભાજપના જ કોર્પોરેટરોએ રિક્રીએશન કમિટીની બેઠકમાં ફરિયાદ કરી
અમદાવાદ,બુધવાર,1 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગો વચ્ચે
સંકલનનો અભાવ જોવા મળી રહયો છે.શહેરના
વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના બગીચાઓમાં સી.સી.ટી.વી.કેમેરા બંધ
હાલતમાં હોવાની ફરિયાદ ભાજપના જ કોર્પોરેટરોએ રિક્રીએશન કમિટીની બેઠકમાં કરી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ ઉપરાંત સ્માર્ટ સિટી
તથા ઈ-ગવર્નન્સ વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાની બાબત રિક્રીએશન કમિટીની બેઠકમાં
બહાર આવવા પામી હતી.કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ,કમિટીમાં સભ્યો
દ્વારા ઓઢવ ખાતે આવેલા સદગુરુ ગાર્ડનમાં સી.સી.ટી.વી.કેમેરા બંધ હોવા અંગે ફરિયાદ
કરી હતી.વસ્ત્રાલ વોર્ડમાં આવેલા માધવ ગાર્ડન ઉપરાંત શાહીબાગમાં આવેલા જેઠાલાલ
પાર્ક ગાર્ડનમાં પણ સી.સી.ટી.વી.કેમેરા બંધ હોવા અંગે સભ્યોએ ફરિયાદ કરી હતી.
શહેરમાં નાના-મોટા મળી કુલ ૨૯૩ જેટલા ગાર્ડન આવેલા છે.પરંતુ મ્યુનિ.ના વિભાગો
વચ્ચે સંકલનના અભાવે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નહીં હોવાની રજૂઆત કમિટીમાં
સભ્યોએ કરી હતી. આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા આશાવલ ગાર્ડનને ડેવલપ કરવા
વર્ષ-૨૦૨૫-૨૬ના વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવા આયોજન કરવામાં આવશે.