લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક, લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર
Vegetables Price Hike: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજા રાઉન્ડમાં તો દક્ષિણ ગુજરાત તો પાણીપાણી થયુ છે. હવે ઘીરે ધીરે અન્ય જીલ્લાઓ પણ વરસાદી પાણીમાં તરબોળ થવા માંડ્યા છે. વરસાદને કારણે ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટાભાગના શાકભાજીનો ભાવ રૂ. 80-100ની આસપાસ છે. પરિણામે આમ જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો ય મોઘો થયો છે.
શાકભાજીની આવકમાં ઘટાડો
ચોમાસુ બરોબર જામ્યુ છે. ચારેકોર ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંગા જેવી સ્થિતી સર્જાઈ છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય વરસાદી પાણી ભરાયાં છે, પરિણામે અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. માત્ર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક પણ ઘટી છે.
શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવએ સેન્ચુરી વટાવતાં આમ જનતાના ખિસ્સા પર આર્થિક માર પડ્યો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાયુ છે કેમકે, રૂ. 20-25 વેચાતી ડુંગળીનો કિલોનો ભાવ છેક રૂ. 90 એ પહોચ્યો છે. બટાકાનો ભાવ પણ કિલોના રૂ.50 બોલાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ભારે વરસાદ વચ્ચે નદીઓ કે જળાશયોમાં ન્હાવા ન પડતાં! ગુજરાતમાં અહીં 4નાં મોતથી ખળભળાટ
થોડાક દિવસો અગાઉ જ ટામેટાંના ભાવ એટલી હદે ગગડયા હતાં કે, કોઈ ખરીદનાર ન હતું. અત્યારે ટામેટાના ભાવ પણ વધીને કિલોના રૂ.120 થયા છે. આદુના ભાવ પણ રૂ.150 થયાં છે. કોથમીરે પણ સેન્ચુર વટાવી છે. છૂટક બજારમાં કોથમીર 100 ગ્રામના રૂ. 10ના ભાવે વેચાઈ રહી છે. તુવેરના ભાવ તો કિલોના રૂ. 250- 300 સુધી પહોંચ્યા છે.
લોકોએ ખરીદીમાં ના છૂટકે કાપ મૂક્યો
વટાણા રૂ.160 કિલો, સરગવો પણ રૂ. 180ના ભાવે વેચાઈ રહ્યો છે. ભાવ વધતાં લોકોએ શાકભાજીની ખરીદીમાં કાપ મૂકવા મજબૂર થવુ પડ્યું છે. જરૂરિયાત કરતાંય ઓછુ શાકભાજી ખરીદીને લોકો કામ ચલાવી રહ્યા છે. વેપારીઓનું કહેવુ છે કે, ભારે વરસાદને કારણે હજુ એકાદ બે અઠવાડિયા સુધી આ સ્થિતી રહેશે.
આ પણ વાંચો: જુદી-જુદી ટ્રેનમાં બે-નંબરી ચાંદીની હેરાફેરી : 55 કિલોનો જથ્થો કબજે
લીલા શાકભાજીનો સ્વાદ માણવો ય હવે મોઘો બન્યો
જોકે, હોલસેલ માર્કેટ કરતાં છૂટક બજારમાં શાકભાજીના ભાવોમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. વધુ ભાવોને કારણે ઘણાં લોકો જમાલપુર શાક માર્કેટમાં જઈને ખરીદી કરી રહ્યાં છે. આમ, લીલા શાકભાજીનો સ્વાદ માણવો ય હવે મોઘો બન્યો છે. દરમિયાન લોકોમાં એ બાબતે રોષ છે કે દલાલોની નફાખોરી અને મોંધવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની રહી છે.