કિંજલ દવેની તકલીફોનો અંત નહીં, હાઈકોર્ટે ચુકાદો આપતા મુશ્કેલીમાં મૂકાઈ
અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને ગીત ગાવાની મંજૂરી આપી હતી
અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો
High Court stay on char bangdi wali song : એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતને કારણે ચર્ચામાં આવેલી લોકગાયિકા કિંજલ દવેને હવે આ જ ગીત ભારે પડી ગયું છે. તાજેતરમાં જ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી આપી હતી ત્યારે હવે હાઈકોર્ટે કિંજલ દવેને ગીત ગાવા પર સ્ટે મુક્યો છે.
હાઈકોર્ટે સ્ટે લંબાવતા કિંજલ દવેને મુશ્કેલી વધી
‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતનો કેસ જ્યારથી કોર્ટ ચડ્યો છે ત્યારથી કિંજલ દવેની તકલીફોનો અંત આવ્યો નથી. ગુજરાત હાઈકોર્ટે આ ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં કોપીરાઈટનો કેસ ફાઈલ કર્યો હતો, જો કે અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર ન કરી શકતા કિંજલ દવે કેસ જીતી ગઈ હતી અને રાહત મળી હતી. જો કે અરજદારે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જ્યાં હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખીને કિંજલ દવેને ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે. ત્યારે હવે ફરીવાર કિંજલ દવેની મુશ્કેલી વધી છે.
જાણો ગીતને લઈને શું છે વિવાદ?
કિંજલ દવે દ્વારા ગવાયેલું ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત 2016ની 20 ડિસેમ્બરે RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ પછી 2017ની જાન્યુઆરીએ રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. તેઓએ આ ગીતને 2016ની 29મી સપ્ટેમ્બરે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલનું ગીત કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું.