Get The App

ખ્યાતિ હોસ્પિટલનું કારનામું, ફ્રી કેમ્પના નામે શેરથામાં પણ 9 દર્દીની બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી હતી

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
ખ્યાતિ હોસ્પિટલનું કારનામું, ફ્રી કેમ્પના નામે શેરથામાં પણ 9 દર્દીની બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી હતી 1 - image


Khyati Hospital Controversy: ફ્રી મેડિકલ કેમ્પ યોજી પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણાં કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા સામે આવી છે. આ કૌભાંડ ખુલ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કારનામા ખુલી રહ્યાં છે. બે વર્ષ અગાઉ ગાંધીનગર જિલ્લાના શેરથામાં પણ ખ્યાતિ હોસ્પિટલે ફ્રી કેમ્પ યોજીને નવ જેટલાં દર્દીઓની બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી. એવી પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છેકે, દર્દીઓને અંધારામાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે તેવી જાણ થતાં જ ચારેક દર્દીઓને તો સારવાર કરાવી જ નથી તેમ કહીને ભાગી છૂટ્યા હતાં. 

24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા વિના દર્દીઓને રજા આપી દેવાઈ

ખ્યાતિ હોસ્પિટલ હવે ‘કુખ્યાત’ પુરવાર થઈ રહી છે.  મળતી માહિતી મુજબ  26 નવેમ્બર, 2022નાલ રોજ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે શેરથા ગામનાં જતીન પટેલે કહ્યું કે, એ દિવસે 17 જણાંને બસમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતાં. મારા પિતાની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે, સ્ટેન્ટ નંખાયા પછી પણ મારા પિતાને છાતીમાં દુખાવો થતો હતો. એક દિવસ અચાનક વઘુ દુખાવો થતાં ગાંધીનગર સિવીલમાં લવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતું.

આ પણ વાંચોઃ ખાનગી હોસ્પિટલોનો ખેલ! સરકારથી એક-દોઢ લાખ લેવાના, ખર્ચો માંડ અડધો અને નફો 50,000

આયુષ્યમાન કાર્ડ વિનાના દર્દીઓને ઘરે મોકલી દેવાયા 

જાણીને નવાઈ લાગે તેવી વાત એ હતી કે, જે દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ નહતું તે બધાયને સારવાર વિના ઘરે મોકલી દેવાયા હતાં. ડૉક્ટરોની શંકાસ્પદ સારવારની ગંધ આવી જતાં ચારેક દર્દીઓએ તો સારવાર કરાવવાની જ નથી તેવું સ્પષ્ટ કહી દીઘુ. એટલુ જ નહીં, આ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યા હતાં. તેમ છતાં હોસ્પિટલ દ્વારા આખરે નવેક દર્દીઓની એન્જિપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતાં. શેરથા ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો કે, પરિવારને જાણ સુધ્ધાં કરવામાં નહતી આવી કે, દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું છે. ફક્ત એક સહી જ કરાવવામાં આવી હતી. 

સામાન્ય રીતે એન્જિયોપ્લાસ્ટી પછી દર્દીને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. પરંતુ, ખ્યાતિ હોસ્પિટલમાં એકેય દર્દીને આ રીતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં નહતાં આવ્યાં. શેરથાથી દર્દીઓને બસમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા, પરંતુ જ્યારે દર્દીઓને રજા અપાઈ ત્યારે કોઈ વ્યવસ્થા કરવામાં નહતી આવી. આખરે દર્દીઓએ રીક્ષા ભાડે કરી શેરથા પહોંચવું પડ્યું હતું. શેરથાવાસીઓની વેદના પરથી ખ્યાલ આવે છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર બારોબાર સ્ટેન્ટ નાંખી દેવાની કરતૂત ઘણાં સમયથી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ખ્યાતિકાંડ : ફરિયાદ કડીથી વસ્ત્રાપુર ટ્રાન્સફર કરાઈ, ડૉ.પ્રશાંત વજીરાનીની પૂછપરછમાં થયા મોટા ખુલાસા

ખ્યાતિ હોસ્પિટલની મોડસ ઓપરેન્ડી: એક ગામમાં એક જ વખત ફ્રી કેમ્પ

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોનો એક જ હેતુ હતો કે, પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓની જાણ બહાર સારવાર કરો, નાણાં મેળવો. દર્દીઓના જીવ સાથે ખેલ થઈ રહ્યો છે તે વિશે ગ્રામજનોને જાણ ન થાય તે માટે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, એક ગામમાં એક જ વખત ફ્રી મેડિકલ કેમ્પ કરવામાં આવતો હતો. એક ગામમાંથી જેટલાં દર્દીઓ મળે તેની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કરીને નાણાં કમાઈ લેવાના અને બીજા ગામમાંથી દર્દીઓની શોધખોળ કરવાની.

ફ્રી કેમ્પ માટે ખ્યાતિ હોસ્પિટલના એક ડાયરેક્ટરની પણ ભૂમિકા

ખ્યાતિ હોસ્પિટલના એક ડાયરેક્ટર પણ અમદાવાદ-ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના ગામડાઓમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો-રાજકીય નેતાઓના સતત સંપર્કમાં રહેતાં હતાં. તેઓ મારે ગરીબ લોકોનું ભલુ કરવું છે . અમારી હોસ્પિટલમાં મોટા ડોક્ટરો છે. ખાસ કરીને હૃદયરોગમાં એકપણ પૈસો લીધા વિના સારવાર થશે તેવી વાતો કરીને ફ્રી મેડિકલ કેમ્પ યોજતા હતાં. આ કૌભાંડ બાદ આ ડાયરેક્ટર પણ ભૂગર્ભમાં ઉતરી પડ્યાં છે. 

આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી સાત દિવસના રિમાન્ડ પર

જો ખ્યાતિ પીએમજેવાયએ યોજનાનું ઓડિટ થયુ હોત તો...

પીએમજેવાયએ યોજના હોસ્પિટલ માટે કમાણીની યોજના બની રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં તો રોજરોજ એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીના કલેઇમો કરવામાં આવતા હતાં. આ ઉપરાંત આ જ ખ્યાતિ હોસ્પિટલમાં ગેરરીતી થતાં આ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તેમ છતાં કયા ધારાધોરણના આધારે ફરીથી તેને સામેલ કરવામાં આવી તે સવાલ છે. આ ઉપરાંત રાજ્ય આરોગ્ય વિભાગે જો ખ્યાતિ હોસ્પિટલનું સમયસર ઓડિટ કર્યુ હોત તો નિર્દોષ દર્દીઓનો ભોગ લેવાયો ન હોત.


Google NewsGoogle News