Get The App

PMJAY કૌભાંડ વિશે આરોગ્યમંત્રીને કેમ ખબર ના પડી? ધંધા દો-ચંદા લોની નીતિથી મેડિકલ માફિયા ફાવી ગયા

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
PMJAY કૌભાંડ વિશે આરોગ્યમંત્રીને કેમ ખબર ના પડી? ધંધા દો-ચંદા લોની નીતિથી મેડિકલ માફિયા ફાવી ગયા 1 - image


Ahmedabad Khyati Hospital Controversy: ફ્રી મેડિકલ કેમ્પના નામે ગરીબ દર્દીઓના જીવ સાથે અખતરાં કરી સરકારી યોજના થકી નાણાં ખંખેરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેના પગલે રાજ્યમાં આરોગ્ય સેવાઓ પરથી જાણે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્ય સરકારને આઇબીના માધ્યમથી રાજ્ય પ્રવર્તમાન પરિસ્થિતિની રજેરજની વિગતો મળતી હોય છે, ત્યારે હોસ્પિટલમાં દર્દીઓ ‘ગ્રાહક’ બની રહ્યા છે તે ગંભીર વાતની આરોગ્ય મંત્રી અને સરકારને જાણ સુદ્ધા થઈ નહીં. જાસૂસી કરવામાં ભાજપ સરકારને કોઈ પહોંચી શકે તેમ નથી. ત્યારે ગુજરાતને લાંછન લાગે તેવી વાતથી સરકાર કેવી રીતે અજાણ રહી તે અંગે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. 

મેડિકલ માફિયાને મળ્યું મોકળુ મેદાન

એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ દર્દીઓને સરકારી જ નહી, કોર્પોરેટ હૉસ્પિટલોમાં અદ્યતન તબીબી સારવાર મળી રહે તે માટે આરોગ્યલક્ષી યોજનાનો અમલ કરાવી રહ્યા છે. એટલું જ નહીં, જનજન સુધી આરોગ્યલક્ષી યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. બીજી બાજુ, ગુજરાતમાં ખુદ આરોગ્ય વિભાગ-સરકારની બેદરકારીને લીધે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જાણે હૉસ્પિટલો માટે ભ્રષ્ટાચારી યોજના હોય તેવું સાબિત થઈ રહ્યું છે. ખુદ સરકારે જ જાણે સરકારી યોજનાઓને રેઢી મૂકી છે જેના કારણે મેડિકલ માફિયાઓને મોકળું મેદાન મળ્યું છે. 

આ પણ વાંચોઃ ખ્યાતિ કાંડ પર ઠંડુ પાણી રેડી દેવાશે! આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથેની બેઠકમાં શું રંધાયું

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયા PMJAY યોજના પાછળ બજેટમાં ફાળવે છે. આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારી અને મેડિકલ માફિયાઓની મીલીભગતને કારણે હૉસ્પિટલમાં કૌભાંડ થયું છે. ખુદ કેગના રિપોર્ટમાં હૉસ્પિટલમાં ચાલતી ગેરરીતીઓ છતી થઈ છે તેમ છતાંય આરોગ્ય વિભાગે કોઈ ધડો લીધો નથી. તેમાંય કડક કાર્યવાહીના બદલે મેડિકલ માફિયાઓને છૂટો દોર આપવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. લોકોમાં ચર્ચા છે કે, ચંદા દો- ધંધા લોની નીતિને કારણે મેડિકલ માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી. નિર્દોષ ગરીબ દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે તેમ છતાંય હૉસ્પિટલ સંચાલકો-ડૉક્ટરોને ઉની આંચ આવે તેમ નથી.

ફ્રી-મેડિકલ કેમ્પ શંકાના ઘેરામાં

ગરીબ દર્દીઓને તબીબી સેવા-સારવારનો લાભ મળી રહે તે હેતુથી ખુદ ભાજપ સંગઠન દ્વારા પણ ફ્રી મેડિકલ કેમ્પ આયોજીત કરી રહ્યું છે. આ પ્રકરણ બાદ હવે ફ્રી મેડિકલ કેમ્પ શંકાના ઘેરામાં મૂકાયું છે. એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, વર્ષ 2021માં ખ્યાતિ હૉસ્પિટલને ગેરરીતીને કારણે PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તો પછી કયા ધોરણોને આધારે ફરી મંજૂરી આપવામાં આવી.

આ પણ વાંચોઃ દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી

આરોગ્ય વિભાગ ક્યારે કરશે કાર્યવાહી?

મેડિકલ માફિયા જ નહીં, આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારી પણ એટલા જ જવાબદાર છે. આરોગ્ય વિભાગે સમયસર ખ્યાતિ હૉસ્પિટલમાં ઑડિટ-ચકાસણી કરી હોત તો કદાચ આ કૌભાંડ અટકી શક્યું હોત. નિર્દોષ દર્દીઓના જીવ બચી શક્યા હોત. હવે લોકો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં ખ્યાતિ હૉસ્પિટલના સંચાલકો-ડૉક્ટરો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી સરકાર ક્યારે કરશે?


Google NewsGoogle News