'બ્લૉકેજ હોય કે નહીં રોજ 30 સર્જરીનો ટાર્ગેટ...' ખ્યાતિકાંડના ડૉક્ટર-સંચાલકોનું અમીર બનવાનું ષડયંત્ર
Khyati Hospital Case Update: એસ. જી. હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ જરૂર ન હોય તેવા દર્દીઓને પણ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંત વઝીરાણીને સાથે રાખીને તપાસ શરૂ કરી હતી. બાદમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત અને ડાયરેક્ટર કાર્તિક પટેલ PMJAY હેઠળ ગેરકાયદેસર રીતે નાણાં કમાવવા માટે દિવસમાં ઓછામાં ઓછી 30 જેટલી સર્જરીનો લક્ષ્યાંક રાખતા હતા. પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરતા કેસને લગતા અનેક દસ્તાવજો પણ જપ્ત કર્યા છે. બીજી બાજુ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં થયો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના સ્ટેન્ટ મુકતા સમયે મોતના અને ખોટા રિપોર્ટ બનાવીને સર્જરી કરવાના મામલે દાખલ થયેલી ફરિયાદ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એલ. એલ ચાવડા અને તેમના સ્ટાફે ડોક્ટરને ડૉ. પ્રશાંત વઝીરાણીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરી હતી. વઝીરાણી પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ડૉક્ટરને હોસ્પિટલમાં ચાલતા કૌભાંડની તમામ માહિતી હતી. જેમાં 40 ટકાથી ઓછું બ્લોકેજ હોય તો પણ તે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઈઓ ચિરાગ રાજપૂત સાથે મળીને PMJAYની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરીને સર્જરી કરતો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ 5 વર્ષમાં 46 લાખ દર્દીઓ પાછળ 9000 કરોડથી વધુ ખર્ચાયા
ડૉક્ટરોને અપાયો ટાર્ગેટ
આ વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં PMJAY હેઠળ 30થી વધુ સર્જરીનો ટાર્ગેટ નક્કી કરાયો હોવાની વિગતો પોલીસને મળી છે. ડૉ. પ્રશાંતની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલ PMJAY હેઠળ એન્જિયોપ્લાસ્ટીના દોઢ લાખ રૂપિયા લેતી હતી. જ્યારે પ્રશાંતને સર્જરી કરવા માટે 15 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ સિવાય એન્જિયોગ્રાફીના 800 રૂપિયા મળતા હતાં. PMJAY હેઠળ અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં કેટલી સર્જરી કરવામાં આવી છે? તે અંગેની વિગતો પોલીસે મંગાવી છે.
આ સિવાય પોલીસ સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂતને ઝડપી લેવા માટે તેમના નિવાસ સ્થાને તેમજ અન્ય જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી.
ખ્યાતિકાંડ: એક દર્દીને સિવિલમાંથી રજા અપાઈ
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બદલ સિવિલની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીને બે દિવસ બાદ રજા આપી દેવામાં આવી છે. સોમવારે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ બુધવારે આ દર્દીની તબિયત બગડતાં યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ સ્વાસ્થ્યમાં સુધારો આવતાં શુક્રવારે (15 નવેમ્બરે) રજા આપી દેવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી હવે હાલમાં એકપણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી.
એન્જિયોગ્રાફીની સીડી હવે સિવિલ મોકલાશે
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા આ એન્જિયોગ્રાફી બરાબર કરવામાં આવી હતી કે કેમ અને આ પૈકીના કેટલાં દર્દીઓને સ્ટેન્ટ મૂકવાની જરૂર હતી કે નહીં તે ચકાસવા માટેની સીડી સિવિલની યુએન મહેતા હોસ્પિટલમાં મોકલવામાં આવશે. સિવિલના ડૉક્ટર આ સીડીનો અભ્યાસ કરી પોતાનો રિપોર્ટ આગામી થોડા દિવસોમાં જાહેર કરશે.
ખ્યાતિ હોસ્પિટલનો કુખ્યાત ડૉ. પ્રશાંત વજીરાણી 7 હોસ્પિટલમાં જતો હતો
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારો ડૉક્ટર પ્રશાંત વજીરાણી અમદાવાદની 8 હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકે જતો હતો. જેમાં સંજીવની હોસ્પિટલ વસ્ત્રાપુર, જીવરાજ મહેતા હોસ્પિટલ-વેજલપુર, ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-એસ.જી. હાઈવે, આરના હોસ્પિટલ-પાલડી, એમ્સ હોસ્પિટલ-પાલડી, હેલ્થ-1 હોસ્પિટલ શીલજ, અર્થમ્ હોસ્પિટલ- પોલિટેક્નિક્નો સમાવેશ થાય છે.
હોસ્પિટલની બેદરકારી બાદ દર્દીઓ હજુ પણ આઘાતમાં
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી અક્ષમ્ય બેદરકારી બાદ કડી તાલુકાના બોરીસણા ગામના 17 દર્દીઓ હજુ પણ આઘાતમાં છે. ખોટી રીતે સારવાર બાદ તેઓ ચિંતામાં મૂકાઈ ગયાં છે. ગુરૂવારે આ પૈકી એકને શ્વાસ લેવામાં સમસ્યા થથાં કડી જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. નોંધનીય છે કે, હોસ્પિટલ દ્વારા ગામના 19 દર્દીઓને દાખલ કરાયા હતાં. જેમાંથી હવે 17 દર્દીઓ ઘરે આવી ગયાં છે અને બે દર્દીઓના મોત થયાં છે.