આઝાદી પછી ક્યારેય બદલાયો નથી અમદાવાદ રથયાત્રાનો રૂટ, 1947 પહેલાં રથયાત્રામાં લહેરાવતા હતા તિરંગા
Ahmedabad Rathyatra History: અમદાવાદમાં આ વર્ષે 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રથયાત્રાના રૂટ વિશે ઈતિહાસકાર ડૉ.રિઝવાન કાદરીએ કહ્યું કે, રથયાત્રાની શરૂઆતના વર્ષોમાં મંદિરના સાધુ-સંતો, ભજન-મંડળીઓ, નિશાન, ગજરાજો અને બેન્ડ રથયાત્રામાં જોડાતા હતા પરંતુ પાછળથી અખાડાઓ અને ટ્રકો પણ તેમાં જોડાઈ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. સમયની સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા અને રથયાત્રાની પરીક્રમાના માર્ગ બદલાતા રહ્યા છે.
1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત
અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.
એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી
1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. થોડો સમય વિરામ કર્યા બાદ માનવ મહેરાણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા એટલે એ જમાનામાં આવેલ કૃષ્ણ સિનેમા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી તેમ કહીએ તો કોઇપણ વ્યક્તિ આ વાત માનશે નહીં પરંતુ તે હકીકત છે.
હાલનો રથયાત્રાનો રૂટ આ પ્રમાણે છે
હાલ રથયાત્રાના માર્ગમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. આજે સવારના સાતે વાગે મંદિરેથી રથયાત્રાની શરૂઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.
આઝાદી પહેલાં અખાડાના યુવાનો રથયાત્રામાં તિરંગા લહેરાવતા
અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ ઘણો રોચક છે. અંગ્રેજના સમયમાં વ્યાયામ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય ચેતના જગાવવામાં આવતી હતી. જુદા-જુદા અખાડાઓના યુવાનો પોતાના ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં ત્રિરંગા લહેરાવતા હતા. 1946ની રથયાત્રા સમયે માનવતાની રક્ષા માટે વસંતરાવ અને તેમના સાથી મિત્ર રજબ અલીએ આત્મબલિદાન આપ્યું હતું.